રાજકોટ શહેરમાં સ્કૂલ અને કોલેજની અંદર અને બહાર બનતી ઘટનાઓ અંગે છાત્રો ફરિયાદ કરતા ખચકાટ અનુભવતા હોય છે. જેને ધ્યાને લઈ શહેર પોલીસે નવતર પ્રયોગ શરૂ કર્યો છે.જેમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી દરેક સ્કૂલ અને કોલેજોમાં કરિયાદ પેટી મુકવામાં આવી છે. જેમાં છાત્રો ફરિયાદ કરી શકશે. જેનો પોલીસ નિકાલ વહેલી તકે નીકાલ લાવવા પ્રયાસ કરશે.શહેર પોલીસ કમિશનરે થોડા સમય પહેલાં જ શહેરની દરેક સ્કૂલ અને કોલેજોમાં ફરિયાદ પેટી મૂકવાનો થાણા ઈન્ચાર્જોને આદેશ આપ્યો હતો. જોકે આ આદેશની કેટલા થાણા ઈન્ચાર્જોએ અમલવારી શરૂ કરી છે તેની તો કોઈ માહિતી મળી નથી. પરંતુ બી-ડિવીઝન પોલીસે પોતાના વિસ્તારમાં આવેલી તમામ 40 સ્કૂલોમાં ફરિયાદ પેટીઓ મુકી દીધી છે.
સ્કૂલ, કોલેજોની અંદર અને બહાર બનતી ઘટનાઓ અંગે ફરિયાદ કરવા બાબતે છાત્રો સંકોચ ન અનુભવે તે માટે નવતર પ્રયોગ : પીઆઇ આર.જી.બારોટ દ્વારા ફરિયાદનો તાત્કાલિક નિકાલ કરાશે
પીઆઈ આર.જી. બારોટે જણાવ્યું કે સ્કુલ, કોલેજોમાં બનતી ઘટનાઓ અંગે ઘણી વખત છાત્રો ફરિયાદ કરી શક્તા નથી. આ સ્થિતિમાં સ્કૂલ, કોલેજોમાં અંદર અને બહાર કોઈ દબાણ, ધમકીની ઘટના કે આવારા તત્વોના ત્રાસ અંગે છાત્રો બેફિકર થઈ ફરિયાદ કરી શકે તે માટે દરેક સ્કૂલોમાં ફરિયાદ પેટી મુકવામાં આવી છે. દરેક સ્કૂલોના આચાર્યો અને શિક્ષકોને પણ આ બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે.એટલું જ નહીં ધોરણ 8 થી લઈ પીરણ 12 સુધીના છાત્રોને પણ ફરિયાદ પેટી અંગે સમજ આપવામાં આવી છે. છાત્ર અને છાત્રાઓને 18 વર્ષથી ઓછી વયમાં લગ્ન કરવા અપરાધ છે તે સહિતના મહિલાઓને લગતા કાયદાઓની સમજ પણ આપવામાં આવી છે.