વડાપ્રધાનના આગમનની તડામાર તૈયારી : હેલિકોપ્ટર મારફતે સીધા જ સભા સ્થળે પહોંચશે

વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી આગામી ૨૯મીએ પ્રથમ વખત  મોરબી આવી રહ્યા હોય મોરબીમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે,વડાપ્રધાન મોદી આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આવી રહ્યા હોય તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે વડાપ્રધાન મોદીએ પ્રચારની કમાન સાંભળી લીધી છે, સૌરાષ્ટ્રમાં પ્રચારયાત્રામાં આગામી ૨૯મીએ મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોના ભાજપના ઉમેદવારો માટે વડાપ્રધાન મોદી મોરબીના પરશુરામ પોટરી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધનાર છે. જે માટે અત્યારથી જ તડામાર તૈયારીઓ ચાલી રહી છે સભા સ્થળ નજીક જ ત્રણ હેલિપેડ બનાવાયા છે અને વડાપ્રધાન મોદી સીધા ત્યાંજ ઉતરાણ કરશે.

મોરબી ખાતે યોજાનાર જાહેરસભા ને લઈ પોલીસ તંત્ર દ્વારા સુરક્ષાના તમામ ઈન્તજામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, સભા સ્થળ આસપાસની જગ્યાનું સઘન ચેકીંગ કરી તસુ એ તસુ જમીન ને મેટલ ડિટેક્ટરથી ચકાસવામાં આવી હતી અને સ્થાનિક પોલીસની સાથે અન્ય જિલ્લામાંથી પણ બંદોબસ્ત લેવામાં આવ્યો છે ઉપરાંત અર્ધ લશ્કરી દળો દ્વારા પણ આ વિસ્તારમાં ગસ્ત લગાવવામાં આવી રહી છે.

વધુમાં જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે બોલીવુડ સિંગર હંસરાજ હંસ અને રોકી મિતલ માનવમેદનીનું મનોરંજન કરે તે માટેનો કાર્યક્રમ પણ યોજવમાં આવ્યો છે.

દરમિયાન વડાપ્રધાન મોદીની મોરબી જાહેરસભામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સાંસદ મોહન કુંડારીયા, વિનોદ ચાવડા તેમજ મોરબી, ટંકારા, હળવદ, ચોટીલાના ભાજપના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહેશે.

મોરબી ખાતે યોજાનાર વડાપ્રધાન મોદીની જાહેરસભામાં ૫૦૦ જેટલા વીવીઆઇપી અને ૧૦૦૦ વીઆઇપી મહેમાનો હાજરી આપશે ભાજપ દ્વારા સભા સ્થળે ૧૮૫૦૦ ખુરશીઓ મુકવામાં આવી છે અને આ જાહેર સભામાં ૪૦ હજાર જેટલી માનવમેદની એકત્રિત થનાર હોવાનું ભાજપના અગ્રણીઓ જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે  નરેન્દ્ર મોદી છેલ્લે ૨૪ ઓગષ્ટ ૨૦૧૩ માં નવરચિત મોરબી જિલ્લાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી તરીકે હાજર રહ્યા હતા અને તે વખતે એલ.ઇ.કોલેજ ગ્રાઉન્ડ ખાતે સભા યોજાઈ હતી.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનની મોરબી મુલાકાતને લઈ જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે પીએમ બંદોબસ્ત માટે ૪-એસપી, ૬- ડીવાયએસપી, ૨૫- પીઆઇ, ૭૦-પીએસઆઇ અને ૬૦૦ એસઆરપી સહિતની કાફલો બંદોબસ્તમાં વ્યસ્ત બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.