રાજકોટ શહેરના ગાયકવાડી વિસ્તારમાં આવેલા કીટીપરાની પરિણીતાની જામવાડી પાસે અડધુ ગળુ કપાયેલી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવ્યા બાદ મૃતકના પતિનો રાજકોટની પીડીએમ કોલેજ પાસેના રેલવે ફાટક પાસે ટ્રેન નીચે કપાયેલો મૃતદેહ મળી આવતા ગોંડલ તાલુકા પોલીસે મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસના ચક્રોગતિમાન કર્યા બાદ ગોંડલ તાલુકા અને માલવીયાનગર પોલીસની સયુંકત તપાસમાં પત્નીને જામવાડી પાસે પતાવી પતિએ પાટા પર પડતુ મુકી જીવન ટૂંકાવ્યાનું બહાર આવ્યું છે.
ચાર માસ પહેલાં જ લગ્નગ્રંથીથી જોડાયેલા નવદંપતીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે શોક: પતિએ પત્નીની હત્યા કરી ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યાની શંકા
સીસીટીવી ફુટેજ અને મોબાઇલ નંબરના આધારે બંને મૃતદેહની ઓળખ મળી: મર્ડર મીસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં ગોંડલ તાલુકા અને માલવીયાનગર પોલીસને મળી સફળતા
ગોંડલ તાલુકાના જામવાડી નજીક આવેલી ઓમ શિવ હોટલ પાસે અજાણી યુવતીની લોહીલુહાણ હાલતમાં લાશ પડી હોવાની હોટલ સંચાલક લાભશંકર ઉર્ફે સિતારામ જોષીએ પોલીસને જાણ કરી હતી. યુવતીનું ગળુ અડધુ કપાયેલુ હતુ તેમજ પેટ અને છાતીમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું પ્રથમિક તપાસમાં બહાર આવતા પોલીસે અજાણી યુવતીની અજાણ્યા શખ્સે હત્યા કર્યા અંગેનો ગોંડલ તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો હતો.
દરમિયાન ગઇકાલે સાંજે પીડીએમ કોલેજ પાસે રેલવે ફાટક પાસે અજાણ્યા યુવાને ટ્રેન નીચે કપાઇ આપઘાત કર્યાની માલવીયાનગર પોલીસને જાણ થતા પી.એસ.આઇ. કે.યુ.વાળા સહિતના સ્ટાફ ઘટના સ્થળે પહોચી તપાસ હાથધરતા મૃતકના ખિસ્સામાંથી ગત તા.27મીની સાંજની પાંચ વાગ્યાની ગોંડલ જતી ટ્રેનની બે ટિકિટિ અને ગોંડલથી રાતે દસેક વાગે જૂનાગઢ જતી ટ્રેનની એક ટિકિટ તેમજ મોબાઇલ મળી આવ્યો હતો. મોબાઇલ નંબરના આધારે પોલીસે તપાસ કરતા મૃતક કીટીપરાના રવિ વિનુભાઇ વઢવાણીયા નામના 22 વર્ષનો દેવીપૂજક યુવક હોવાનું તેના બનેવી સાગરભાઇએ ઓળખી બતાવ્યું હતું.
દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ મથકના પી.એસ.આિ. જે.એમ.ઝાલા અને હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ ચાવડાએ જામવાડી વિસ્તારના સીસીટીવી ફુટેજ મળેવી તપાસ હાથધરી હતી. અને સોશ્યલ મીડિયામાં લોહીહુલાણ હાલતમાં મળી આવેલી લાશ અંગેનો વીડિયો વાયરલ થતા મૃતક યુવતી રાજકોટના આજી ડેમ પાસે રહેતા દિપકભાઇની પુત્રી સોનલ હોવાનું અને ચારેક માસ પહેલાં રવિ વઢવાણીયા સાથે લગ્ન થયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું. સોનલનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે જામવાડીથી રાજકોટ ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો ત્યારે માલવીયાનગર પોલીસ સ્ટાફ પણ રવિનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લાવતા બંનેના સગા હોસ્પિટલ ખાતે એકઠા થયા અને બંને એક બીજાના પરિચીત હોવાનું તેમજ બંને મૃતક પતિ-પત્ની હોવાનું સ્પષ્ટ થયું હતું.
રવિ અને તેની પત્ની સોલન ગત તા.27મીએ જૂનાગઢ દવા લવા જવાનું કહીને નીકળ્યા બાદ બે દિવસથી ભાળ ન મળતા પ્ર.નગર પોલીસ મથકે બંનેની ગુમ નોંધ માટે રવિનો પરિવાર ગયો ત્યારે બંનેના મૃતદેહ રાજકોટ હોિસ્પિટલ ખાતે પોલીસ દ્વારા લાવવામાં આવ્યો હતો.
મૃતક રવિ વઢવાણીયા ત્રણ ભાઇ અને ત્રણ બહેન છે. તેના ચારેક માસ પહેલાં જ કીટીપરાના દિપકભાઇની પુત્રી સોનલ સાથે લગ્ન થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. રવિ શાકભાજી વેચવાનું કામ કરતો હોવાનું અને બે દિવસ પહેલાં જૂનાગઢ દવા લેવા જવાનું કહીને ઘરેથી પત્ની સોનલ સાથે ગયો હતો. રવિને છ વર્ષ માનસિક બીમાર હોવાનું માલવીયાનગર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે.
સોનલની હત્યા તેના પતિ રવિએ જામવાડી પાસે કર્યા બાદ રાજકોટ પહોચી પીડીએમ કોલેજના રેલવે ફાટક પાસે ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કર્યાની શંકા સાથે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથધરી છે. ચાર માસ પહેલાં જ પ્રભુતામાં પગલા માંડનાર નવદંપતીના થયેલા મોતથી બંનેના પરિવારમાં કરુણાંતિકા સર્જાય છે.