મોરબીમાં યુવકને બેફામ માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવવાના અતિ ચકચારી ઘટનાના કેસમાં વિભૂતિ પટેલ સહિતના ત્રણ આરોપી મોરબી એલસીબી બ્રાંચ ખાતે પોતાના વકીલને સાથે રાખી પોલીસ સમક્ષ સામેથી હાજર થયા હતા ત્યારે પોલીસે તેમની વિધિવત અટક કરી હતી.
નોકરીનો પગાર માંગનાર યુવકને મારમારી અને જાતિપ્રત્યે હડધુત કર્યા તા
મોરબી ડીવાયએસપી પી.એ.ઝાલાએ પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર બનાવમાં જણાવ્યું હતું કે રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા નિલેશભાઈ દલસાણીયાને પોતે રાણીબા ઈન્ડસ્ટ્રીઝમાં 16 દિવસ કામ કરી છુટા થઇ ગયા બાદ કરેલ કામનો વારંવાર પગાર માંગતા આરોપી વિભૂતિ પટેલ સહિતના આરોપીઓએ યુવકને ઓફિસે બોલાવી બેફામ માર મારી જોડું મોઢામાં લેવડાવવાના કેસમાં એફઆઈઆરમાં પાંચ આરોપીઓ વિરુદ્ધ નામ જોગ અને અજાણ્યા સાત આરોપીઓ વિરુદ્ધ માર મારવાનો, રાયોટીંગ અને એટ્રોસિટી જેવી ગંભીર કલમો સાથે ગુન્હો નોંધવામાં આવ્યો હતો. તેમજ બાદમાં લૂંટની કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો હતો.
બનાવની નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ત્રણ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન ગઈકાલ તા.26 ના રોજ ડી.ડી.રબારી ઉર્ફે મયુર ઉર્ફે દેવાભાઇ કલોત્રા પોલીસ સમક્ષ હાજર થયો હતો જેની પોલીસ દ્વારા કાયદેસરની અટક કરી તેને નામદાર કોર્ટ હવાલે કર્યો હતો ત્યારબાદ આજરોજ વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના ત્રણ વધુ આરોપીઓ પોલીસ મથકમાં સામેથી સરેન્ડર થતા પોલીસે તેમની વિધિવત ધરપકડ કરી છે.
વધુમાં ડીવાયએસપી પી.એ. ઝાલાએ જણાવ્યું હતું કે વિભૂતિ પટેલ સહિતના ત્રણ આરોપીઓ કે જેઓ ફરાર હતા તે દરમિયાન તેઓ ક્યાં હતા તેમજ ખરેખર ચપ્પલ ચટાડવાની ઘટના શું હતી તેમજ માફી માંગતો વિડિઓ ઉતારેલ કે કેમ એ બધા સવાલોના જવાબો મેળવવા આરોપીઓની પાંચ દિવસની રિમાન્ડની કોર્ટમાં માંગણી કરવામાં આવશે.