15 લાખથી વધુ ભાવિકોએ પુણ્યનું ભાથુ બાંધી જંગલ કર્યુ ખાલી
પરિક્રમા ના અંતિમ દિવસે પણ વહેલી સવારે 300 થી વધુ ભાવિકોએ પરિક્રમા રૂટ ઉપર પ્રવેશ કરતા 13,34,300 પરિક્રમાથીઓ આ વખતે પરિક્રમામાં જોડાયા હોવાના સરકારી આંકડા બહાર આવ્યા છે. જો કે, 15 લાખથી વધુ ભાવિકોએ આ વર્ષની પરિક્રમા કરી હોવાનું પરિક્રમાર્થીઓ અને અન્નક્ષેત્રો ચલાવતા સેવાભાવી જણાવી રહ્યા છે. આ સાથે ગઈકાલથી પરિક્રમાનો પ્રવેશગેટ બંધ કરી દેવામાં આવ્યો છે. અને ગઈકાલે રાતના 46,000 થી વધુ પરિક્રમાથીઓ પરિક્રમા રૂટ ઉપર હોવાનું વન વિભાગ એ જણાવ્યું હતું.
વન વિભાગ જુનાગઢના આર.એફ.ઓ. અરવિંદ ભાલીયાના જણાવ્યા અનુસાર, ગઈકાલે પૂનમના દિવસે વહેલી સવારના પાંચ વાગ્યે 300 જેટલા પરિક્રમારથીઓએ મુખ્ય પ્રવેશ દ્વાર ઉપરથી પરિક્રમા રૂટ પર પ્રવેશ મેળવ્યો હતો. તે સાથે આ વખતના પરિક્રમાથીઓની સંખ્યા 13,34,300 થવા પામી છે. જ્યારે ગઈકાલના સાંજના 7 વાગ્યા સુધીમાં અંદાજિત 12,87,588 લોકોએ બોરદેવીનો ગેટ વટાવી ચૂક્યા છે. એટલે કે તેમણે પરિક્રમા પૂરી કરી લીધી છે. તે જોતા ગઈકાલે સાંજે સાત વાગ્યે હજુ 46,712 જેટલા પરિક્રમાર્થીઓ રૂટ ઉપર હતા.
આ વખતની લીલી પરિક્રમા અંગે ઉતારા મંડળના ભાવેશ વેકરીયા જણાવી રહ્યા છે કે, વન વિભાગ ભલે 13.33 લાખની પરિક્રમાર્થીઓ ની સંખ્યા ગણાવે. હકીકતમાં 15 લાખથી વધુ ભાવિકોએ આ પરિક્રમા પૂરી શ્રદ્ધા ભક્તિ સાથે કરી ગિરનારી મહારાજના ખોળે આનંદ મેળવ્યો છે. જો કે, દીપડાના હુમલાને બાદ કરતા હેમખેમ રૂપ આ વખતની પરિક્રમા પૂર્ણ થઈ છે. અને કમોસમી વરસાદ પણ થયો છે છતાં અન્નક્ષેત્ર ચલાવતા સેવાભાવિઓ કે પરિક્રમાથીઓને કોઈ વધુ જાન માલની મોટી નુકસાની થઈ નથી અને ઉતારા મંડળો તથા અન્ન ક્ષેત્રોએ પણ ગઈકાલે વાઈન્ડ અપ કરી હેમખેમ બહાર આવી ગયા છે.
ભવનાથ ખાલી ખમ
જે ભવનાથમાં છેલ્લા 15 દિવસથી હૈયે હૈયું દળાય તેવી માનવ મહેરામણ ઉમટયો હતો તે આજે સવારથી ખાલી ખમ ભાસી રહ્યું છે, અને મનપા દ્વારા સફાઈ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
લીલી પરિક્રમા ગત તારીખ 23 નવેમ્બર થી વિધિવત શરૂ થઈ હતી. પરંતુ એ પૂર્વે લગભગ દસેક દિવસ પહેલાં અન્ન ક્ષેત્રો અને ઉતારા મંડળની સાથે નાના-મોટા વેપારીઓ ધંધા કરવા માટે ભવનાથ ખાતે પહોંચ્યા હતા. અને બે દિવસ અગાઉ લાખોની સંખ્યામાં ભાવિકો ભવનાથ પહોંચી જતા તંત્રને વહેલી પરિક્રમા શરૂ કરવાની નોબત આવી હતી. તેવા જન પ્રવાહથી ભવનાથ ઉભરાઈ રહ્યું હતું. અને હૈયુ દળાય તેવી ભવનાથ ક્ષેત્રમાં ગીરદી હતી. જે પરિક્રમા પૂર્ણ થતા ભવનાથ સાવ સુમસાન ભાસી રહ્યું છે.
અન્નક્ષેત્રો, ઉતારા મંડળો પોતાની સેવા વાઇંડપ કરી ભવનાથ ક્ષેત્ર છોડી ચૂક્યા છે. તો ભવનાથમાં સ્ટોલ રાખી ધંધો કરનાર તેમજ ફૂટપાથ પર પાથરણા પાથરી વેપાર કરનાર લોકો એ પણ પોતાના વતન તરફ પ્રયાણ કરી લીધું છે. ત્યારે ખાલીખમ બની ગયેલ ભવનાથમાં મનપા દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે.
એસટી વિભાગે 1.77 કરોડની આવક કરી
જુનાગઢ એસટી ડિવિઝન કંટ્રોલર આર.પી. શ્રીમાળીના જણાવ્યા અનુસાર, ગિરનારની લીલી પરિક્રમાને લઈને જુનાગઢ ડિવિઝનમાં આવતા 9 ડેપોમાંથી એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. અને કુલ 1,016 વાહનો થકી 7,493 ટ્રીપ કરવામાં આવી હતી. જે દરમિયાન 2,97,110 મુસાફરો એ એસ.ટી.ની સફર કરી હતી. જેમાંથી જુનાગઢ બસ સ્ટેન્ડથી ભવનાથ સુધી દોડાવાયેલ બસનો 1,47,682 મુસાફરોએ લાભ લીધો હતો.
પરિક્રમામાં કુલ 21,761 થી વધુ પરિક્રમાથીઓ માંદા પડયા: 4 ના મોત થયા
અંગે જુનાગઢ મનપાના હેલ્થ ઓફિસર ડો. ચંદ્રેશ વ્યાસના જણાવ્યા અનુસાર, જૂનાગઢની લીલી પરિક્રમા દરમિયાન તા. 21 થી 24 નવેમ્બર દરમિયાન કુલ 21,761 લોકોને સારવાર આપવામાં આવી હતી. જેમાંથી. 32 વ્યક્તિને વીછી કરડવા, તથા 202 ને ઝાડા અને 145 ને ઉલટી તથા 11,650 ને શરીરના દુખાવા તેમજ 51,101 ને અન્ય બીમારી થતા તમામને હંગામી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સારવાર આપવામાં આવી હતી. જ્યારે 55 જેટલા લોકોને વધુ સારવારની જરૂર જણાતા તેને સિવિલમાં રિફર કરાયા હતા. જ્યારે 4 દર્દીઓના મોત થયા હતા.