ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી-20 મેચોની શ્રેણીની ત્રીજી મેચ મંગળવારે રમાશે. બંને ટીમો ગુહાટીમાં સામસામે ટકરાશે. તે જ સમયે, આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-0થી આગળ છે. આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શ્રેણીની બીજી મેચ તિરુવનંતપુરમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. ટીમ ઇન્ડિયાએ શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 2 વિકેટથી હરાવ્યું હતું. જો કે, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ ગુહાટીમાં શ્રેણી જીતવા ઈચ્છશે. આ શ્રેણીની ચોથી મેચ રાયપુરમાં 1લી ડિસેમ્બરે રમાશે. જ્યારે શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ 3 ડિસેમ્બરે બેંગ્લોરમાં રમાશે.
આગામી જૂન માસમાં રમાનાર ટી20 વિશ્વકપ પૂર્વે ભારત હજુ 8 મેચ રમશે
વાસ્તવમાં ટીમ ઈન્ડિયાએ આ શ્રેણીની શરૂઆતની બંને મેચ જીતી છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયા આજની મેચમાં પણ જીત મેળવી લેશે તો તે શ્રેણી પર કબજો કરી લેશે. ભારતીય ટીમ અજેય લીડ લેવાના ઉદ્દેશ્ય સાથે જ અહીં મેદાનમાં ઉતરશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે આ ‘કરો યા મરો’ની મેચ રહેશે. ઓસ્ટ્રેલિયાએ બંને મેચમાં ભારતીય ટીમને સારી લડત આપી હતી પરંતુ તે જીતી શકી નહોતી. આજે યોજાનારી ત્રીજી મેચમાં તે જીત અને હારના આ નાના અંતરને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
ટી20 વર્લ્ડ કપના રૂપમાં આગામી આઇસીસી ટુર્નામેન્ટ 6 મહિના પછી જૂનમાં રમાશે, તે પહેલાં આઇપીએલ પણ ભારતમાં યોજાશે. ચાલો જાણીએ નવેમ્બર 2023થી ડિસેમ્બર 2024 સુધીની ટીમ ઈન્ડિયા કેટલા ટી20 મેચ રમશે. ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટી 20 મેચની સીરીઝ રમ્યા બાદ દક્ષિણ આફ્રિકા સામે ભારત 3 ટી20 મેચો રમશે જેની શરૂઆત 10મી ડિસેમ્બરથી શરૂ થશે. ત્યાર બાદ અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે 3 મેચની ટી20 શ્રેણી 11 જાન્યુઆરી 2024થી શરૂ થશે.