હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો છે. બે વર્ષ સુધી ગુજરાત ટાઇટન્સના સુકાની રહેલા હાર્દિક પંડ્યા ફરી એકવાર 5 વખતની ચેમ્પિયન મુંબઈ સાથે પરત ફર્યો છે. 26 નવેમ્બર રવિવારના રોજ રિટેન્શન ડે પર જબરદસ્ત ડ્રામા વચ્ચે માત્ર 2 કલાકમાં જ રિટેન થયા બાદ હાર્દિક મુંબઈમાં જોડાયો હતો. આ સાથે ત્રણ દિવસથી ચાલી રહેલી અફવાઓ અને અટકળોને આખરે સમર્થન મળ્યું છે. હાર્દિકનું મુંબઈ પરત ફરવું પણ આઈપીએલના ઈતિહાસમાં સૌથી હાઈ-પ્રોફાઈલ ટ્રેડ બની ગયું.
ડિસેમ્બર 19ના રોજ દુબઈ ખાતે યોજાશે મીની ઓક્સન
ખેલાડીઓની રિટેઈન કરવાની અંતિમ તારીખ 26મી નવેમ્બર રવિવાર હોવાથી આ સમય દરમિયાન જ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેવી અપેક્ષા હતી. મળતી માહિતી મુજબ રીટેન્શન શો દરમિયાન ગુજરાત દ્વારા હાર્દિકને જાળવી રાખ્યો હોવાની સનસનાટીભરી જાહેરાત કરવામાં આવી હતી. આનાથી બધા સ્તબ્ધ થઈ ગયા. જોકે, આ પછી પણ હાર્દિકના મુંબઈ જવાની આશા જીવંત રહી હતી કારણ કે રિટેન્શન-ડેડલાઈન પછી પણ ટ્રેડિંગ વિન્ડો ખુલ્લી રહેશે. પરંતુ ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આગામી 2 કલાકમાં આ બધું થઈ જશે.
હાર્દિક પંડ્યાની આ ટ્રેડ રૂપિયામાં થઈ છે. રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પાસે હાર્દિક પંડ્યાને પરત લાવવા માટે પર્સમાં પૂરતા પૈસા પણ બચ્યા ન હતા. એટલા માટે તેઓએ તેમના ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનને ટ્રેડ કર્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં કેમેરોન ગ્રીન જલ્દી જોડાય તેવી પૂરી સંભાવના છે.