દેશમાં લગ્નસરાની સીઝન શરૂ થઇ ગઇ છે. જે 23 દિવસ ચાલવાની છે. લગ્ન એ ભારતીય સંસ્કૃતિ અને જીવનનો મહત્વપૂર્ણ પ્રસંગ છે. તે સામાજિક સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ મહત્વ ધરાવે છે. દેશમાં લગ્નસરાની સિઝનએ જોર પકડ્યું છે. ભારતમાં સૌથી વધુ ચર્ચાતી અને વેપાર-ધંધાો લાવતી લગ્નની સીઝન શરૂ થઇ ગઇ છે. પરંપરાગત રિવાજો અને ઉજવણીઓ ઉપરાંત, આ લગ્નો અર્થતંત્રને મજબૂત કરવાની તક પણ પ્રદાન કરશે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો અંદાજ છે કે આ વખતે નવેમ્બર-ડિસેમ્બરમાં થનાર લગ્નોથી 4.25 લાખ કરોડ રૂપિયાનું બિઝનેસ ટર્નઓવર થવાની ધારણા છે.

15 ડિસેમ્બર સુધી 35 લાખ લગ્નો થશે, જેનાથી અનેક સેક્ટરોમાં તેજી જોવા મળશે તેવો કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સનો અંદાજ

23 નવેમ્બરથી 15 ડિસેમ્બર વચ્ચે 35 લાખ લગ્નો થવાના છે, જેનો અર્થ છે કે દેશમાં ઉજવણી અને ધામધૂમ ચાલુ રહેશે. સીએઆઇટી રિસર્ચ એન્ડ ટ્રેડ ડેવલપમેન્ટ સોસાયટી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર, લગ્નની આ મોટી સિઝનમાં ખરીદી – શોપિંગ અને સેવાઓ દ્વારા 4.25 લાખ કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના રિપોર્ટ અનુસાર લગ્નસરાની સીઝનથી અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે. સીએઆઇટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભાટિયા કહે છે કે રાજધાની દિલ્હી લગ્નની બાબતમાં ચોક્કસપણે સૌથી આગળ છે અને આ 23 દિવસમાં અહીં 3.5 લાખ લગ્નો થવાના છે. બિઝનેસ ટર્નઓવરની વાત કરીએ તો, એકલા રાજધાની દિલ્હીમાં 1 લાખ કરોડ રૂપિયાની આવક થવાની ધારણા છે. જો ગત વર્ષની સરખામણી કરીએ તો આ સિઝનમાં લગભગ 32 લાખ લગ્નો થયા હતા જેણે 3.75 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. જે લગ્ન સમારંભોમાં સતત થઇ રહેલી વૃદ્ધિના સંકેત આપે છે.

લગ્નની સિઝનના આ 23 દિવસોમાં નાણાકીય ખર્ચ અલગ-અલગ રીતે કરવામાં આવે છે. લગભગ 6 લાખ લગ્નો વિશે, એવો અંદાજ છે કે દરેક સમારોહમાં 3 લાખ રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે 10 લાખ લગ્નોમાં દરેક ફંક્શન પાછળ 6 લાખ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે. 12 લાખ લગ્નોમાં પ્રત્યેક પ્રસંગ 10 લાખ રૂપિયા ખર્ચ થશે તેવી અપેક્ષા છે. જ્યારે 6 લાખ લગ્ન છે જેમાં પ્રત્યેક ફંક્શન માટે 25 લાખ રૂપિયાનું મોટું બજેટ રાખવામાં આવ્યું છે.

ઉપરાંત જે લોકો ભવ્ય અને વૈભવી લગ્ન ઇચ્છે છે તેઓ એક જ સમારંભ પર 50 લાખ રૂપિયા ખર્ચ કરશે. અને આવા 50,000 જેટલા લગ્નો થવાનો અંદાજ છે. 50,000 લગ્નો અંગે સમાચાર છે કે દરેક પાછળ 1 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. આ આંકડા દર્શાવે છે કે ભારતમાં લગ્નોમાં કેટલી વિવિધતા છે અને તેમની ઇવેન્ટ્સ કેટેગરીમાં કેવી રીતે બદલાય છે.

સર્વે અનુસાર, ભારતમાં લોકો હવે તેમના વતનને બદલે ફેમસ વેડિંગ ડેસ્ટીનેશનલ પર લગ્ન કરવા લાગ્યા છે. જેમા ગોવા, જયપુર, કેરળ અને શિમલા જેવા સ્થળોની સૌથી વધુ માંગમાં છે. આ સ્થળો માત્ર લગ્નોમાં ગ્લેમર જ ઉમેરતા નથી પરંતુ રાજ્યોની અર્થવ્યવસ્થાને વધારવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.