ભારત બાર જ્યોર્તિંલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ પંચદિવસીય કાર્તિક પૂર્ણિમાના મેળાનું તા.26 નવે. રવિવારે મધ્યરાત્રીએ એક વાગ્યા બાદ સમાપન થશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિર મધ્યરાત્રીના એક વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે અને મધ્યરાત્રી બાર વાગ્યે વિશેષ મહાપુજા અને મહાઆરતી થશે.
સોમનાથ મંદિર ખાતે કાલે રાત્રે 12 કલાકે મહાપુજા, મહાઆરતી
કાર્તિક પૂર્ણિમાએ કૈલાસ મહામેરૂ પ્રાસાદ નામે ઓળખાતા આ ભવ્ય દેવાલય શિખર ઉપર મધ્યરાત્રીએ ખગોળ-શ્રધ્ધાની દ્રષ્ટિએ શિખરની સીધી લીટીમાં એવી વિશેષ રીતે ગોઠવાય છે કે જાણે શિવ ધ્યાનસ્થ થઇ જાણે ભગવાન શિવે ચંદ્રને મસ્તક ઉપર ધારણ કર્યો હોય તેવી શ્રધ્ધા અનુભુતિ કાર્તિક પૂર્ણિમાએ થાય છે.
કાર્તિક પુનમના મેળામાં ખાણીપીણી સ્ટોલો, મનોરંજન કરતા ડાગલાઓ, મકાઇ લોટા, ત્રાજવા ત્રોફાવતા લોકો, સીંગોડાના ઠંડાગાર કોપરાની ભૂકો ભરભરાવી વેંચાતા સ્વાદિષ્ટ પાનો, વજન કરવાવાળા, પાવા-પીપુડા-ફૂગ્ગા વેંચનારાઓ અને ચકડોળ-ફજેત-ફાળકાની રંગત માણનારાઓ ઠેર-ઠેર માનવ દરિયો ઠલવાયો છે.
ગિરનાર પરિક્રમા વહેલી પૂરી કરનારા અને આવતીકાલે બપોર સુધી પૂર્ણ કરનારાઓ સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળામાં આવતા માનવ દરિયામાં જાણે ભરતી જેવો ઉત્સાહ, ઉમંગ અને મોલના યુગમાયે મેળાઓ હજુ જીવંત છે અને રહેશે જ તેવી સંતોષ અનુભુતિ કરાવે છે.