વડોદરાની એમ. એસ. યુનિવર્સિટી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ અધ્યાપક બનવા માટેની જીસેટની પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં 26 નવેમ્બરને રવિવારે આ પરીક્ષા યોજાશે. જેમાં રાજકોટ શહેરના 5 કેન્દ્રો પરથી 4,208 ઉમેદવારો અધ્યાપક બનવા માટેની જીસેટની પરીક્ષા આપશે.
રાજકોટનાં પાંચ કેન્દ્રોના 175 બ્લોક પરથી 4,208 ઉમેદવારો જીસેટની પરીક્ષા આપવાના છે. જેમાં આત્મીય કોલેજની વિંગ એ અને બી, ગ્રેસ કોલેજ, માતૃ મંદિર કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ફાર્મસી ડિપાર્ટમેન્ટ અને કન્વેન્શન સેન્ટર એમ 5 કેન્દ્રો પરથી પરીક્ષા લેવાશે. જેમાં સવારે 9:30થી 12:30 દરમિયાન જનરલ પેપર 1 અને જે-તે વિષયનું પેપર-2 લેવાશે. જેમાં 28 જેટલા વિષયોની પરીક્ષા લેવામાં આવશે.
જીસેટની આ પરીક્ષા 9:30 વાગ્યાથી છે. પરંતુ પરીક્ષા આપનાર ઉમેદવારોએ 9:10 વાગ્યા સુધીમાં પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી જવાનું રહેશે. પરીક્ષા ખંડમાં ઉમેદવારો કેલ્ક્યુલેટરનો ઉપયોગ નહીં કરી શકે. આ ઉપરાંત સ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ, સેલ્યુલર ફોન, મોબાઈલ ફોન, સેટેલાઇટ ફોન કે ડીજીટલ ડાયરી જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો લાવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.