કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ 15 ડીસેમ્બરે ગુજરાતમાં ધામા નાખવાના છે. તેઓ લોકસભા ચૂંટણી સંદર્ભે બેઠક યોજીગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને તેલંગણા તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીની તૈયારીઓનો તાગ મેળવાશે.
લોકસભા ચૂંટણી સંદર્ભે યોજાશે બેઠક : ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને તેલંગણા તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીની તૈયારીઓનો તાગ મેળવાશે
લોકસભાની ચૂંટણીની તૈયારી સંદર્ભે ગુજરાત સહિત પાંચ રાજ્યો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગોવા અને તેલંગણા તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરાનગર હવેલીની એક દિવસીય કોન્ફરન્સ 15મી ડિસેમ્બરે ગુજરાતમાં યોજવાનું નક્કી થયું છે, જેમાં કેન્દ્રીય ચૂંટણી પંચના લગભગ અડધોડઝન ડેપ્યુટી ઇલેક્શન કમિશનરો હાજર રહેશે. રાજ્યનું ચૂંટણીતંત્ર અત્યારે આ પરિષદની તૈયારીમાં વ્યસ્ત છે.
મુખ્ય ચૂંટણી અધિકારીઓના સ્તરની આ પરિષદમાં રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી, પોલીસ તંત્રના નોડલ ઑફિસર ડીજીપી-કાયદો-વ્યવસ્થા શમશેરસિંહ સહિત કેટલાક ઉચ્ચ ચૂંટણી અધિકારીઓ ગુજરાત તરફથી ઉપસ્થિત રહેશે. લોકસભાની ચૂંટણીની તૈયારી સંદર્ભે યોજાનારી આ પરિષદમાં ચૂંટણીતંત્રની સર્વગ્રાહી સમીક્ષા થશે. ચૂંટણી કમિશનરો સમયની પ્રતિકૂળતાને કારણે બધા રાજ્યોની વિઝિટ લઈ શકતા નથી, તેથી ડેપ્યુટી કમિશનરોની ટીમ દ્વારા થનારી આ સમીક્ષા બેઠક મહત્ત્વની બની રહે છે.
બેલેટ યુનિટ-કંટ્રોલ યુનિટ- વીવીપેટ મશીનોની જરૂરિયાત, ચૂંટણીની પ્રક્રિયા માટે ઉપયોગમાં લેનારું મહેકમ, પોલીસ ડિપ્લોયમેન્ટ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ- સીઆરપીએફના દળોની જરૂરિયાત તથા આ દળોની મૂવમેન્ટ વગેરે તમામ પાસાઓની સમીક્ષા આ બેઠકમાં થશે. તદુપરાંત જિલ્લા તંત્રોમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક તથા જે તે રાજ્ય સરકારો સાથે સંકલનની બાબત પણ સમીક્ષામાં આવરી લેવાશે. આ બધાં જ પાસાંઓમાં છેલ્લે એપ્રિલ-2019માં લોકસભાની ચૂંટણી વખતે શું પરિસ્થિતિ હતી, તેના સંદર્ભમાં પણ સમીક્ષા કરવામાં આવશે અને વધારાની જરૂરિયાતનું મુલ્યાંકન કરવામાં આવશે.તેમ જાણવા મળી રહ્યું છે.