દિવાળીના તહેવારો હવે અંતિમ તબક્કા તરફ આવી પહોંચ્યા છે.આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની સમાપ્તિ થઈ છે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ આજે મુહૂર્ત કર્યા હતા. આમ, લાભ પાંચમ સાથે માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત્ ધમધમવા લાગી છે. જોકે, રાજકોટના મોટાભાગના વેપારીઓ મુહૂર્ત કર્યા બાદ સોમવારથી જ દૂકાન-ધંધો શરૃ કરશે.
કારકતક માસના શુક્લ પક્ષની પંચમી તિથિને લાભ પાંચમ કહેવામાં આવે છે. દિવાળી પછી આવતી પંચમીએ જો કોઇ નવો વેપાર કે મુહૂર્ત કરવામાં આવે તો તેમાં લાભ જ થતો હોવાની વિશિષ્ટ પરંપરા-માન્યતા છે. વેપારીઓએ આજે હિસાબના ચોપડાની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરે છે, જેથી તેમના માટે નવું વર્ષ લાભદાયી નીવડે. લાભ પાંચમથી દેવોની દિવાળી દેવ દિવાળીના સત્રની પણ શરૃઆત થાય છે. લાભ પાંચમના એકાંક્ષી શ્રીફળનું ખાસ મહત્વ છે. દિવાળીના દિવસે જે વેપારીઓનું ચોપડા પૂજન રહી ગયું હોય તેઓ આ દિવસે ચોપડા પૂજન કરીને પ્રારંભ કરે છે.પવિત્ર દિવસે ઘર કે વ્યવસાયના સ્થળના ઉંબરા ઉપર ’શુભ’ , ’લાભ’ લખીને સ્વસ્તિકનું ચિહ્ન કરવામાં આવે છે. વેપારીઓ નવા વર્ષના હિસાબના ચોપડામાં ’શ્રી સવા’ લખીને સવાઇ લક્ષ્મી મેળવવાનો સંકલ્પ કરે છે. લાભ પાંચમની તિથિ લક્ષ્મીની પ્રાપ્તિ સાથે જોડાયેલી છે. જેના કારણે તેને ’શ્રી પંચમી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ પાંચમે શ્રીસુક્તનો પાઠ કરવાનો મહિમા છે.
કાલે છઠ પૂજા, ઉગતા અને આથમતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે
રાજકોટમાં પશ્ચિમ બંગાળ, બિહાર, યુપી સહિત દેશભરમાંથી લોકો આવીને વસવાટ કરે છે. આમ રાજકોટ એ મિનિ ભારત બની ગયું છે. દિવાળી પર્વની ઉજવણી કર્યા બાદ હવે કાલે છઠ્ઠ પૂજા કરવામાં આવશે. છઠ્ઠ નિમિત્તે બહેનો ઉપવાસ કરે છે. જેમા ઉગતા અને આથમતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે. આજી ડેમે મોટી સંખ્યામાં લોકો પૂજા માટે ઉપસ્થિત રહેશે. રવિવારે સાંજે બહેનો અર્ધ્ય આપશે અને સોમવારે સવારે સૂર્યદેવને અર્ધ્ય આપશે. આ સાથે જ વ્રત- ઉપવાસની પૂર્ણાહુતિ થશે. છઠ્ઠના દિવસે મહિલાઓ નારિયેળ, ફળ, શેરડી, તેમજ કંકુ – ચોખા સહિત પૂજન સામગ્રી સાથે સૂર્યદેવની પૂજા કરે છે. છઠ્ઠ પર્વ નિમિત્તે પૂજા સામગ્રીથીઓની કાલે એમ બે દિવસ ખરીદી થશે. છઠ્ઠ પૂજામાં સમગ્ર પરિવારજનો જોડાતા હોય છે.
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ ધમધમ્યાં
લાભપાંચમે ખૂલતી બજારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટયાર્ડમાં કામકાજ શરૂ થયા હતા. સામાન્ય રીતે ખૂલતી બજારે ખેડૂતોને ભારે વેચવાલી રહેતા આવકના ઢગલા થાય છે પણ વર્ષે ખૂલતી બજારે આવકનું પ્રેશર ઓછું હતું. માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓએ જણસના સોદાના શ્રીગણેશ કર્યા હતા.