કોંગ્રેસને ગુજરાતનું નામ પડતા જ ચૂંક ઉપડે છે: ચાર-ચાર પાટીદાર મુખ્યમંત્રીને કોંગ્રેસે હેરાન કર્યા અને આંદોલનો ચલાવ્યા: જસદણમાં જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહારો

કોંગ્રેસને ગુજરાતનું નામ પડતા જ ચૂક ઉપડતી હોવાનો પ્રહાર વડાપ્રધાન મોદીએ આજરોજ જસદણ ખાતેની જંગી જાહેરસભા સંબોધતા સમયે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતે વિકાસનો રસ્તો અપનાવ્યો છે પરંતુ જસદણ દરેક વખતે ગાડી ચુકી જાય છે. ૬૦ વર્ષમાં ત્રણ વખત જ અમને સેવાની તક આપી છે. છતાંય અમે તમારી સેવામાં કોઈ કચાસ રાખી નથી.

વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રના લોકો પહેલા કોઈ કામ માટે મોદીને ફોન કરતા હતા પરંતુ હવે સીધા રાષ્ટ્રપતિને ફોન કરે છે. રાષ્ટ્રપતિ પણ આ વિસ્તારના લોકોને નામથી ઓળખે છે. રાષ્ટ્રપતિ સાથે સૌરાષ્ટ્રના તમામ લોકોને સન્માન મળ્યું છે. જે લોકતંત્રની મોટામાં મોટી તાકાત છે. તેમણે પાણી પ્રશ્ર્ન અંગે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રે પાણીનો કકળાટ આખી જીંદગી જોયો છે. પાણીના કારણે દિકરી ગામમાં આપતા નહોતા. પાણીની સમસ્યા હલ કરવા અમે નર્મદાનું પાણી લાવવાની વાત કરતા ત્યારે વાંકદેખા લોકો મજાક ઉડાવતા.

તેમણે સંબોધન દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ લીધા વિના કહ્યું હતું કે, એક ભાઈને પથ્થરો મારી સંતાઈ જવાની ટેવ, ગાળો બોલીને ભાગી જવાની ટેવ આવી તમામ હરકતો માત્ર પબ્લિસીટી માટે તેઓ કરે છે. કોંગ્રેસે પણ બે મહિનાથી ચરિત્ર ગુમાવી દીધું છે. તેમણે કોંગ્રેસને મળેલા પરાજય અંગે કહ્યું હતું કે, પરાજય તો થાય લોકોએ પહેલા પણ તમને નહોતા સ્વીકાર્યા હવે પણ નહીં સ્વીકારે. ખોટી મહેનત કરો છો. કોંગ્રેસને ગુજરાતનું નામ પડતા જ સુળ ઉપડે છે.

કોંગ્રેસે સરદાર સાહેબના શું હાલ કર્યા તે મણીબેનની ડાયરી જુઓ તો ખબર પડે, મોરારજીભાઈ જેવા બેદાગ ચરિત્ર ધરાવનાર અને શીસ્તબદ્ધ વ્યક્તિને પણ કોંગ્રેસે ખુબ જ હેરાન કર્યા. મોરારજીભાઈને તેમણે ગુજરાત સામેના દ્વેષના કારણે જેમ ફેંકી દીધા. ગુજરાતમાં પ્રથમ વખત જનતા મોરચાની સરકાર બની ત્યારે જનસંઘના ટેકાથી પટેલનો દિકરો મુખ્યમંત્રી બન્યો. જશાભાઈની સરકાર કટોકટી કાળમાં બની હતી. ત્યારે કોંગ્રેસે કટોકટીનો ફાયદો ઉઠાવી ખરીદ-વેંચાણ ચાલુ કરી ધારાસભ્યોને જેલમાં પુરી સરકારને ઘરભેગી કરી દીધી.

ત્યારબાદ ચિમનભાઈ પટેલને પણ રસ્તામાંથી હટાવાના પ્રયાસ થયા. તેમણે ભાજપે ટેકો આપી મુખ્યમંત્રી બનાવ્યા હતા. કેશુભાઈ પટેલની સરકાર બની ત્યારે કમનસીબે ભૂકંપ આવ્યો. તે માહોલમાં પણ કોંગ્રેસે કાર્યાલયોમાં સરકાર સામે ષડયંત્રો રચ્યા, ત્યારબાદ પટેલની દિકરી આનંદીબેન પટેલને મુખ્યમંત્રીની જવાબદારી સોંપાઈ ત્યારે પણ કોંગ્રેસે પૈસાના જોરે તેમને ડિસ્ટર્બ કરવા તોફાન કરાવ્યા. કોંગ્રેસે ચાર-ચાર પાટીદાર મુખ્યમંત્રીઓને જંપીને કયારેય બેસવા દીધા નહીં.

કોંગ્રેસ ઉપર વધુ પ્રહારો કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ગુજરાતને બદનામ કરવા કોંગ્રેસે કોઈ પણ રસ્તો અપનાવ્યો છે. ગરીબનો દિકરો વડાપ્રધાન બન્યો તેવું તેઓ જોઈ શકતા નથી. કોંગ્રેસના લોકો લખી રાખે કે, આ મોદી છે ચા વેંચશે, દેશ વેંચવાનું પાપ નહીં કરે.

વડાપ્રધાન મોદીએ જનમેદનીને સંબોધતા સરકારે કરેલા વિકાસ કાર્યો પણ વર્ણવ્યા હતા. તેમણે વીજળીનું ભારણ ખેડૂતો પરથી ઓછું કરવા ખેતરે ખેતરે સોલાર પંપ મુકવાનું અભિયાન હાથ ધર્યું હોવાનું પણ કહ્યું હતું. તેમણે રાહુલ ગાંધીની બટાકામાંથી સોનું કાઢવાની વાતની ઠેકડી પણ ઉડાવી હતી. તેમણે કહ્યું હતું કે, આપણી સમસ્યાઓનું સમાધાન વિકાસ છે, વિકાસ નિરંતર આગળ વધવો જોઈએ, વિકાસની નવી ઉંચાઈએ લઈ જવાની ઈચ્છા ભાજપની છે.

વધુમાં પ્રધાનમંત્રીએ ઉમેર્યુ કે ભાજપે રાજયભરમાં ફોરટ્રેક રોડ પાથરીયો છે જેના લીધે અકસ્માતોનું પ્રમાણ ધટયું છે. હવે સરકાર સીકસ ટ્રેક રોડ બનાવવા માટે પ્રયત્ય શીલ છે. આ ઉપરાંત રાજકોટમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિમાર્ણમાં હજારો લોકોને રોજગારી મળશે તેમજ કરોડો રૂપિયા મજુરી પેટે મળશે. ગરીબ લોકો પણ હવાઇ મુસાફરી પણ ઘર આંગણેથી કરી શકશે. ગરીબ લોકોનેે હવાઇ મુસાફરી પોષાય તે માટે એક કલાકના રપ૦૦ રૂ. લાદવાનો નિયમ અમલમાં મુકયો છે. ભાજપ સરકારે જાતિના ભેદભાવ વગર ગરીબ વર્ગનો વિકાસ કર્યો છે.

કોંગ્રેસની પાચન શકિત નબળી પડી ગઇ છે તે આ વિકાસ પચાવી શકતું નથી. એટલા માટે ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરીને લોકોને ગુંમરાહ કરવાના પ્રયત્નો કરે છે. કોંગ્રેસ અત્યારે હતાશામાં છે પથ્થર મારીને ભાગી જાય છે. પરંતુ ગુજરાતની જનતા બધું જાણે છે તે ૯ તારીખે બધા પ્રશ્ર્નોના જવાબ અને હિસાબ આપશે. જયારે હું મુખ્યમંત્રી હતો ત્યારે અમરનાથ યાત્રા ઉપર હુમલો કરનાર આતંકવાદીઓ હુમલો કરીને પાકિસ્તાન નાશી છુટયા હતા પરંતુ જયારે હું વડાપ્રધાન બન્યો ત્યારે હુમલા કરનારા આતંકવાદીઓ સામે  વીણી વીણીને બદલો લીધો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.