રાજકોટ જિલ્લામાં અંદાજે 24 હજાર જેટલા કાર્ડ સાયલન્ટ : 30મી સુધીમાં વોર્ડ, ગામ અને દુકાનવાઇઝ કેમ્પ કરી કેવાયસી અપડેટ કરવાની ઝુંબેશ હાથ ધરવા સૂચના
રાજકોટ જિલ્લામાં 24 હજાર જેટલા સાયલન્ટ રેશનકાર્ડને એક્ટિવ કરવા માટે ઇ કેવાયસીના પાવર્સ મામલતદારને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત 30મી સુધીમાં વોર્ડ, ગામ અને દુકાનવાઇઝ કેમ્પ કરી કેવાયસી અપડેટ કરવાની ઝુંબેશ હાથ ધરવા સૂચના આપવામાં આવી છે.
જે રેશનકાર્ડમાં કેવાયસી અપડેટ ન થયા હોય તેમજ કોઈ એક્ટિવિટી ન હોય તેવા રેશનકાર્ડ સાયલન્ટ થઈ જાય છે. આવા રાજકોટ જિલ્લામાં 24 હજાર, સૌરાષ્ટ્રના 1.25 લાખ અને આખા રાજ્યમાં 4 લાખ રેશનકાર્ડ છે. જેને લઈને રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામક દ્વારા 4 નવેમ્બરના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યના સાયલન્ટ અથવા તો બ્લોક રેશનકાર્ડના સભ્યોને પુન: એક્ટિવ કરવા માટે બે તબક્કામાં વેરિફિકેશનનો પ્રોસેસ થાય છે. સાયલન્ટ રેશનકાર્ડના સભ્યોના ઇ કેવાયસી માટેની હાલની પ્રક્રિયામાં નાયબ મામલતદાર અથવા ઝોનલ ઓફિસર દ્વારા ફર્સ્ટ લેવલ એ ઇ કેવાયસી કરવામાં આવે છે.
આ ફર્સ્ટ લેવલ ઓફ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ રેશનકાર્ડના લાભાર્થીઓની વિગતો સંબંધિત ડીએસઓના લોગઇન આઇડીમાં જાય છે. જેથી ડીએસઓ દ્વારા આરસીએમએસમાં ઉપલબ્ધ વિગતોને આધારે રેશનકાર્ડ લના સભ્યો દીઠ ઇ કેવાયસી વેરિફિકેશન કરવામાં આવે છે. ડીએસઓ કક્ષાએ આ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થતાં જ સાયલન્ટ કાર્ડના સભ્યો પૂર્ણ અથવા અંશત: એક્ટિવ થઈ જાય છે. તેમને મળવા પાત્ર વિતરણ જથ્થાની ફાળવણી રાબેતા મુજબ થઈ જાય છે.
હવેથી સાયલન્ટ કાર્ડના સેક્ધડ લેવલ વેરિફિકેશન માટે સભ્યોના ઇ કેવાયસી વેરિફિકેશનના જિલ્લા પુરવઠા અધિકારીના પાવર્સ મામલતદારને પણ આપવામાં આવેલ છે. તથા હાલમાં ડીએસઓ કક્ષાએ ઇ કેવાયસી માટે પેન્ડિંગ વેરિફિકેશનની કામગીરી સંબંધિત ડીએસઓ દ્વારા જ સત્વરે પૂર્ણ કરી ત્યારબાદ હવેથી નવા ઇ કેવાયસી વેરિફિકેશનની પ્રક્રિયા ડીએસઓને બદલે મામલતદાર દ્વારા થાય તે મુજબ યુટીલિટી એનઆઇસી દ્વારા આરસીએમએસમાં યુટીલિટી મેન્યુ, કેવાયસી રેશનકાર્ડ મેમ્બર્સ તૈયાર કરવામાં આવેલ છે. જેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડયુરની નકલ પણ સામેલ છે. જેને ધ્યાને લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે. દરેક જિલ્લાની ઝોનલ તથા મામલતદાર કચેરીઓ મારફત અઠવાડિક સમયપત્રક બનાવી જે તે વોર્ડ, ગામ, દુકાનવાઇઝ સ્થાનિક સ્તરે કેમ્પનું આયોજન કરી ઝુંબેશ હાથ ધરી સાયલન્ટ રેશનકાર્ડના સભ્યોની યુઆઈડીએઆઈ- ઇ કેવાયસીની કાર્યવાહી તા.30 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની રહેશે.