ચૂંટણીપંચ આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચા પર વધુ બારીકાઈથી ધ્યાન રાખે છે
લ્યો કરો વાત, ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની છેલ્લે યોજાઈ ગયેલી ચૂંટણીમાં અડધો-અડધ ‘મૂરતિયાઓ’ એટલે કે ઉમેદવારોએ ખર્ચની મર્યાદાના ૫૫ ટકા પણ વાપરી શકયા ન હતા !!! જો કે આ વખતે ૨૦૧૭માં ચૂંટણીપંચે પ્રતિ ઉમેદવાર ચૂંટણીલક્ષી ખર્ચ કરવાની મર્યાદામાં ૨૦૧૨ની સરખામણીમાં ૭૫% જેવો વધારો કર્યો છે.
પાંચ વર્ષ પહેલા યોજાઈ ગયેલી ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીના વધુ આંકડાઓ જોઈએ તો બીજેપીના ૧૮૨ ઉમેદવારો પૈકી ૧૦૧ ઉમેદવારોએ ચૂંટણીલક્ષી ખર્ચમર્યાદા રૂ.૧૬ લાખના ૫૩% જ રકમ વાપરી હતી. આ રકમ તેમણે ચૂંટણીલક્ષી પ્રચાર પાછળ વાપરી હતી. જયારે કોંગ્રેસના ૩૭ ઉમેદવારોએ ૨૦૧૨માં ચૂંટણીલક્ષી ખર્ચ મર્યાદાના માત્ર ૫૭ ટકા રકમ જ વાપરી હતી. જયારે જેડી(યુ)એ ત્યારે ચૂંટણીસભાઓ પાછળ સરેરાશ રૂપિયા ૩.૦૮ લાખ વાપર્યા હતા. આ જ હેતુ માટે બીજેપી સભાદીઠ રૂપિયા ૨.૫૦ લાખ અને કોંગ્રેસે સભાદીઠ રૂપિયા ૨.૦૮ લાખનો ખર્ચ કર્યો હતો.
૧૪૩ ધારાસભ્યો એવા હતા જેમણે ૧૬ લાખ રૂપિયાના ચૂંટણીખર્ચની મર્યાદામાંથી બહાર નીકળીને વધુ ખર્ચ કર્યો હતો. ચૂંટણીપંચના ધ્યાને આ વાત આવતા તેમણે નોટિસ ફટકારી હતી અને ૧૬ લાખથી વધુનો ખર્ચ કયાં કયાં કર્યો તેની વિગતો માગી હતી. ચૂંટણીપંચ આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોના ખર્ચાઓ પર વધુ બારીકાઈથી ધ્યાન રાખી રહી છે.