ગરવા ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ આગામી તા. 23 નવેમ્બર એટલે કે કારતક સુદ અગિયારસથી થઈ રહ્યો છે. ત્યારે લાખો યાત્રાળુ ગિરનારની પરિક્રમા કરશે તે સંદર્ભે ગઈકાલે જુનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્ય, પરિવહન સહિત મુખ્ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટર રાણાવસિયા અધ્યક્ષસ્થાને ગિરનારની પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા વિભાગો કચેરીઓના વડાની યોજાઇ મીટીંગ
મેડિકલ ઈમરજન્સીમાં યાત્રાળાઓના જીવ બચાવી શકાય તે માટે આરોગ્ય અને અન્ય વિભાગના અધિકારી કર્મચારીઓને સીપીઆરની તાલીમ અપાશે
ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાથીઓ માટે એસ.ટી. વિભાગ 150 એકેસ્ટ્રા બસ આ પરિક્રમા દરમિયાન દોડાવશે. જ્યારે જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ સુધી 50 મીની બસ મૂકવામાં આવશે.
બીપી હાઇપર ટેન્શન અને હૃદય રોગના દર્દીઓએ ગિરનારની ટેકરીઓનું ચઢાણ કરવું હિતાવહ નથી. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્ર આરોગ્ય કર્મચારી અને અન્ય ફરજ પરના કર્મચારીઓને સીપીઆર. ની તાલીમ આપવા કલેક્ટર એ માર્ગદર્શન આપ્યું હતું.
આ સાથે પરિક્રમાના રૂટ પર તેમજ ભવનાથ વિસ્તારમાં કામ ચલાવ હંગામી દવાખાના પણ ઊભા કરવામાં આવશે. એક આઈસીયુ અને બે એમ્બ્યુલન્સ રાખવામાં આવશે. આગના બનાવ બને તો તાત્કાલિક આગ કાબુમાં આવે તે માટે ફાયર ફાઈટર તેમજ બંધ વાહનને કારણે ટ્રાફિક નિયંત્રણ થાય તે માટે ક્રેઇન પણ મૂકવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ઠક્કર, નિવાસી અધિક કલેકટર પી. જી. પટેલ, પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સહિત આરોગ્ય, પાણી પુરવઠા, પીજીવીસીએલ કોર્પોરેશન સહિતના વિભાગના સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
યાત્રાળુઓએ વહેલી પરિક્રમા કરવી નહીં વન્ય પ્રાણીઓના હુમલાનું જોખમ છે
કેટલાક યાત્રિકો વહેલી પરિક્રમા શરૂ કરી દે છે ત્યારે પરિક્રમા સંદર્ભે બેઠકમાં વહેલી પરિક્રમા કરવી હિતાવવા નથી તે બાબતે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી હતી. યાત્રિક રૂટ ભૂલી જાય એવી સ્થિતિમાં યાત્રિક પર વન્ય પ્રાણી હુમલો કરી શકે છે. અગાઉ પણ આ પ્રકારના બનાવ બનેલ હોય, નિયત તારીખ સમય મુજબ પરિક્રમા કરવા અને બહુ વહેલાસર પરિક્રમા કરવા ન આવવા જણાવ્યું હતું.