રાજકોટમાં ભેળસેળીયા વેપારીઓને જાણે તંત્રનો રતિભારનો પણ ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે. કોર્પોરેશનના ચેકીંગ દરમિયાન રોજ ટન મોઢે ભેળસેળયુકત અખાદ્ય સામાન પકડાય રહી છે. દિવાળી અને નુતન વર્ષમાં કોઇના ઘેર બેસવા જઇએ ત્યારે મુખવાસની મીઠાશ લેતા પહેલા 100 વાર વિચાર કરવો પડે તેમ છે. કારણ કે મુખવાસને ઘ્યાનાકલંક અને સ્વાદિષ્ટ બનાવવા માટે વેપારીએ પ્રતિબંધિત કલરની ભેળસેળ કરતા હોવાનો પર્દાફાશ થયા છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા ચેકીંગમાં બે સ્થળેથી 2065 કિલો ભેળસેળ યુકત મુખવાસનો જથ્થો પકડાયો હતો. જેનો નાશ કરવામાં આવ્યો છે.
પરાબજારમાં 1040 કિલો અને પ્રકાશ સ્ટોર્સમાંથી 10રપ કિલો મુખવાસનો કરાયો નાશ
કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા ગઇકાલે મુખવાસના વેપારીઓને ત્યાં દરોડા પાડયા હતા. જેમાં પરાબજાર મેઇન રોડ પર મસ્જીદની બાજુમાં આવેલી અમૃતલાલ કેશવલાલ નંદા અને કેતનભાઇ અમૃતલાલ નંદાની માલીકીના અમૃત મુખવાસમાંથી એકસપાયરી ડેઇટ વિતી ગયેલી, ઉત્પાદન વિગતો દર્શાવ્યા વિનાની તેમજ એફ.એસ.એસ.એ 2006 ના કાયદા મુજબ લેબલીંગ નિયમો દર્શાવ્યા વિના પડતર અને વાસી મુખવાસનો 1040 કિલો જથ્થાનો નાશ કરાયો હતો. ચોકલેટ, મુખવાસ, લીલા કલરનો મુખવાસ, પીળો મુખવાસ, તલ પીપરનો મુખવાસ, સફેદ તલ પીપરનો મુખવાસ, ટોપરાના પાવડર, લખનવી મુખવાસ, પાન ચુરી મુખવાસ, મીઠી સોપારી અને પાન ગુલકંદ મુખવાસનો જથ્થો નાશ કરાયો હતો.
જયારે પ્રકાશ સ્ટોર્સમાં બુલીયન બ્રાન્ડ, સુરભી બ્રાન્ડ, દિલ બહાર બ્રાન્ડનો એકસપાયર પાવડર થયેલો રપ કિલો મુખવાસ, મસ્તી બહારનો રપ કિલો મુખવાસ, ખટી મીઠી ગોળી, તાજ મહેલ મુખવાસ, ફેન્સી મુખવાસ અને વરિયાળીની ગોળી સહિત કુલ 1025 કિલો વાસી અને કલરની ભેળસેળ વાળા મુખવાસનો જથ્થો નાશ કરાયો.