કેન્દ્ર સરકારે સસ્તા ભાવે અનાજ-કઠોળ અને ડુંગળી બાદ ઘઉંનો લોટ વેચવાની શરૂઆત કરી છે. કેન્દ્રીય મંત્રી પીષૂય ગોયલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર ‘ભારત આટા’ લોન્ચ કર્યો છે. ભારત લોટના લોન્ચિંગ પ્રસંગે પીષૂય ગોયલે કહ્યું કે, મોંઘવારીથી લોકો પરેશાન ન થાય તે વાતનું ધ્યાન રાખતા ભારત લોટ લોન્ચ કરવામાં આવ્યો છે.
દિલ્હીથી ભારત આટાનું લોન્ચિંગ : દેશમાં 800 મોબાઈલ વાન અને 2000થી વધારે દુકાનો મારફતે લોટનું કરાશે વેચાણ
ભારતીય લોટ કેન્દ્રીય ભંડાર, નાફેડ અને એનસીસીએફના આઉટલેટ્સ પરથી ખરીદી શકાશે. ભારત લોટનું 800 મોબાઈલ વાન અને 2000થી વધારે દુકાનો મારફતે વેચાણ કરવામાં આવશે. આગામી દિવસો મોટી સંખ્યામાં છુટક દુકાનો પર વેચાણ માટે ઉપલબ્ધ કરાવાશે. ભારત લોટના લોન્ચિંગ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે, કેન્દ્રના હસ્તક્ષેપથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર થઇ ગયા છે. તેમણે ઉમેર્યુ કે, પાછલા દિવસોમાં ટામેટા અને ડુંગળીના વધતી કિંમતોને રોકવા માટે ઘણા પગલા લેવામાં આવ્યા છે. સરકાર ભારત લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચશે, જે હાલના બજાર ભાવ કરતા બે રૂપિયા ઓછી કિંમત છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, અર્ધ-સરકારી અને સહકારી સંસ્થાઓ – કેન્દ્રીય ભંડાર, એનસીસીએફ અને નાફેડ ને ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ લોટમાં રૂપાંતરિત કરવા અને ભારત લોટો હેઠળ તેનું વેચાણ કરવા માટે 21.50 રૂપિયા પ્રતિ કિલોના દરે 2.5 લાખટન ઘઉંની ફાળવણી કરવામાં આવી છે.
કેન્દ્ર સરકાર ઘઉંની બજાર કિંમત કરતા પણ સસ્તા ભાવે ભારત લોટ વેચશે. કેન્દ્રીય ગ્રાહક બાબતોના વિભાગના જણાવ્યા અનુસાર, હાલ સમગ્ર દેશમાં ઘઉંની સરેરાશ રિટેલ કિંમત 30.62 રૂપિયા પ્રતિ કિલો છે, જ્યારે ભારત લોટ 27.50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવશે. આમ રીતે ઘઉંની બજાર કિંમતની તુલનાએ 3 રૂપિયા ઓછી કિંમતે ભારત લોટ વેચશે. બીજી તરફ સમગ્ર દેશમાં ઘઉંના લોટની સરેરાશ છૂટક કિંમત 35.93 રૂપિયા પ્રતિ કિલો છે.