26 પુરુષ કેદી અને 17 મહિલા કેદીઓના 15 દિવસના પેરોલને જિલ્લા કલેકટરની થોડા દિવસોમાં જ લીલીઝંડી મળશે
રાજકોટ સબ જેલમાં સજા ભોગવી રહેલા 43 કેદીઓના પરિવારની દીવાળી સુધરવાની છે. કારણકે આ કેદીઓને 15 દિવસના પેરોલ ઉપર છોડવા જેલ અધિક્ષક દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને દરખાસ્ત કરવામાં આવી છે.આ દરખાસ્ત ઉપર થોડા જ દિવસમાં મંજૂરીની મહોર લાગવાની હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગુજરાતની જેલોમાં વિવિધ ગુનાઓ હેઠળ સજા ભોગવી રહેલા કેદીઓ પરિવાર સાથે દિવાળી ઉજવી શકે તે માટે દર વર્ષે સારી રહેણી કહેણી ધરાવતા કેદીઓને 15 દિવસના પેરોલ પર મુક્ત કરવામાં આવે છે.
ગંભીર ગુનાઓ સિવાયના કેદીઓને સરકાર શરતો પ્રમાણે જેલમુક્ત કરે છે. જે અંતર્ગત ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને અધિક પોલીસ મહાનિર્દેશકની સૂચના મુજબ જેલ સુધારણાના ભાગ રૂપે પાકા કામના કેદીઓને દીવાળી તહેવાર નિમિત્તે પેરોલ પર મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે. આ પર્વ કેદીઓ પોતાના પરિવાર સાથે મનાવી શકે તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ સબ જેલમાં 43 કેદીઓને દિવાળીએ પેરોલ ઉપર છોડવા માટે જેલ અધિક્ષક દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રભવ જોશીને દરખાસ્ત કરવામાં આવી છે.
આ કેદીઓમાં 26 પુરુષ કેદી છે અને 17 મહિલા કેદીઓ છે. આ તમામ કેદીઓને 15 દિવસના પેરોલ ઉપર છોડવા માટે દરખાસ્ત કરવામાં આવી છે. આ દરખાસ્ત હાલ જિલ્લા કલેકટર પાસે છે. તેઓ થોડા જ દિવસમાં આ દરખાસ્તને મંજૂરી આપવાના હોવાનું જાણવા મળી રહ્યું છે.