આરોપીને ૮ નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવા કોર્ટનો આદેશ
નેશનલ ન્યૂઝ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીને કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી મોકલવા બદલ તેલંગાણાના એક 19 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી છે. ઉદ્યોગપતિને ગયા અઠવાડિયે ત્રણ ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા, જેમાં દરેકમાં મોટી રકમની માંગણી કરવામાં આવી હતી.
ગામદેવી પોલીસનું કહેવું છે કે આરોપીની ઓળખ ગણેશ રમેશ વાનપાર્ધી તરીકે થઈ છે અને તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે, જ્યાંથી આરોપીને 8 નવેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
શુક્રવારે એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પહેલો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં 20 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી તે પછી ઉદ્યોગપતિના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી. શનિવારે કંપનીને 200 કરોડ રૂપિયાની માંગણી કરતો બીજો ઈમેલ મળ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે સોમવારે કંપનીને ત્રીજો ઈમેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં ઈમેલ મોકલનાર વ્યક્તિએ આ રકમ બમણી કરી હતી.
ત્રીજી ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે જો મુકેશ અંબાણીએ 400 કરોડ રૂપિયા નહીં ચૂકવ્યા તો તેમને મારી નાખવામાં આવશે. આ પહેલીવાર નથી જ્યારે મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોય. મુંબઈ પોલીસે ગયા વર્ષે બિહારના દરભંગામાંથી મુકેશ અંબાણી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીભર્યો ફોન કરવા બદલ ધરપકડ કરી હતી. આરોપીઓએ મુંબઈની સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પણ આપી હતી.