ગોંડલનાં કોલીથડ ગામે રીસામણે બેઠેલી મોનાબેન કિશનભાઈ ગોડેશ્ર્વર (ઉ.30) નામની યુવતીએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જામનગર પટેલ કોલોનીમાં રહેતા મેકેનીકલ એન્જીનીયર પતિ કિશન હસમુખભાઈ ગોડેશ્ર્વર, સસરા હસમુખભાઈ, સાસુ લીલાવંતીબેન, નણંદ, મેઘનાબેન અને વિદ્યાબેનના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી યુવતીને 22-5-2021નાં જામનગર રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં મેકેનીકલ એન્જીનીયર તરીકે નોકરી કરતાં કિશન ગોડેશ્ર્વર સાથે લગ્ન થયા હતાં. લગ્ન બાદ એક વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ સાસુ અને બન્ને નણંદો નાની નાની બાબતોમાં ત્રાસ આપવા લાગ્યા હતાં. ’તને ઘર કામ આવતું નથી, સારી રસોઈ બનાવતી નથી, તું કાળી છો, તારા પગ ત્રાસા છે, તને ખુંધ નીકળી ગઈ છે’ તેવા મેણાટોણા મારી ત્રાસ આપતાં આ બાબતે પતિ અને સસરાને વાત કરતાં તેઓ પણ ’તારા બાપાના આવા ઉથલપાનીયા સંસ્કાર છે’ તેવા મેણા ટોણા મારી ત્રાસ આપતાં હતાં.
પતિ દ્વારા ભણવામાં ઘણો ખર્ચ થયો છે તેમ કહી તારા બાપાના ઘરેથી પાંચ લાખ દહેજ લઈ આવ તેવું કહી મેણાટોણા મારતાં હતા અને સાતમ આઠમના તહેવાર પર પરણીતા માવતરે ગઈ હતી ત્યારે ’તમારી દિકરીને અમારે નથી જોઈતી તેમ કહી, તમારી દિકરી કંઈ કરે તો અમારી જવાબદારી નહીં તેવું લખાણ કરી તેમાં સહી કરી આપો’ તેમ કહી ત્રાસ આપતાં હતાં. અને તા.20-9-2023ના રોજ પરણીતાને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. આ બનાવ અંગે ગોંડલ મહિલા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.