શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન ચોરી અને લૂુંટની ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગની સાથે પ્રજાને સજાગ રહેવા અવાર નવાર અનુરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ પેટ્રાલિંગની તસ્કરોએ પોલ ખોલી નાખતી ઘટના મવડી વિસ્તારના સ્વાગત આકેર્ટટમાં આવેલા સી.વી.ઇમ્પેક નામના હીરાના કારખાનામાં બની છે. ગતરાત્રી દરમિયાન હીરાના કારખાનાને તસ્કરોએ નિશાન બનાવી મુખ્ય શટરના તાળા તોડી તિજોરીમાં રાખેલા રુા.8 લાખ રોકડા અને 12 હજાર નંગ હીરાની ચોરી થયાનું પોલીસમાં જાહેર થતા સનસનાટી મચી ગઇ છે. માતબાર રકમની ચોરીની ઘટનાના પગલે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ , એસઓજી અને તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી સઘન તપાસ હાથધરી છે. માતબાર રકમની ચોરીમાં જાણભેદુની સંડોવણીની શંકા વ્યક્ત થઇ રહી છે.
સી.વી.ઇમ્પેક કારખાનામાં 80 થી 85 કારીગર કામ કરતા હોવા છતાં સીસીટીવી લગાવ્યા નથી: ચોરીમાં જાણભેદુની સંડોવણીની શંકા
દિવાળી પૂર્વે માતબાર રકમની ચોરીની ઘટનાના પગલે ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી, એસઓજી અને તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા સઘન તપાસ
કારીગરોને પગાર ચુકવવા મોટી રકમ કારખાને રાખી હતી: સ્વાગત આકેર્ટના સીસીટીવી ફુટેજમાં બુકાની ધારી તસ્કરના ફુટેજ મળ્યા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માધાપર ચોકડી પાસે રહેતા અને મવડી ચોકડી અને બાપા સિતારામ ચોક પાસે આવેલા ,સ્વાગત આર્કેટમાં ભાગીદારીમાં સી.વી.ઇમ્પેક ડાયમંડ નામના હીરાના કારખાનાના માલિક મુકેશભાઇ ગોપાલભાઇ દુધાત્રાએ પોતાના હીરાના કારખાનાના તસ્કરોએ શટરના તાળા તોડી તિજોરી તોડી રુા.8 લાખ રોકડા અને 12 હજાર નંગ હીરાની ચોરી થયાનું પોલીસમાં જાહેર કર્યુ છે.
ડાયમંડ નામના હીરાના કારખાનામાં લાખોની રકમની ચોરી થયાની પોલીસને જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ડો.પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી.બી.બસીયા, પી.આઇ. વાય.બી.જાડેજા, એસઓજી પી.આઇ. જે.ડી.ઝાલા, તાલુકા પી.આઇ. પટેલ સહિતના પોલીસ સ્ટાફ મવડી વિસ્તારમાં આવેલા શ્રીજી ડાયમંડ નામના હીરાના કારખાને દોડી ગયા હતા. પોલીસ તપાસ દરમિયાન ડાયમંડ છેલ્લા ત્રણેક વર્ષથી મવડી ચોકડી અને બાપા સિતારામ ચોક વચ્ચે આવેલું છે તેમાં અંદાજે 80 થી 85 જેટલા કારીગર કામ કરે છે. પરંતુ સીસીટીવી કેમેરા લગાવ્યા નથી. ગઇકાલે રાત્રે તમામ કારીગર કામ પુરુ કરી જતા રહ્યા બાદ કારખાનું બંધ કરી મુકેશભાઇ દુધાત્રા અને તેમના ભાગીદારો પોતાના ઘરે જતા રહ્યા બાદ આજે વહેલી સવાલે સાડા પાંચ વાગે મુકેશભાઇ દુધાત્રા પોતાના શ્રીજી ડાયમંડ નામના કારખાને આવ્યા ત્યારે હીરાના કારખાનાના શટરના તાળા તુટેલા જોવા મળ્યા હતા. તેઓએ પોતાના ભાગીદારોને ચોરીની ઘટના અંગે જાણ કરી પોલીસમાં ચોરી ના બનાવની ફરિયાદ નોંધાવી છે.
ચોરીની ઘટનામાં હીરાના જાણકાર અને જાણભેદુની સંડોવણીની શંકા સાથે પોલીસે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ડાયમંડમાં કામ કરતા તમામ કારીગરના મોબાઇલ લોકેશન, તાજેતરમાં કામ પરથી છુટા થયેલા કારીગરોને બોલાવી પૂછપરછ શરુ કરવામાં આવી છે. જ્યારે પોલીસની બીજી ટીમ મવડી રોડ પરના રાત્રી દરમિયાનના સીસીટીવી ફુટેજ એકઠા કરી ચોરીનો ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
મુકેશભાઇ દુધાત્રા અને પિન્ટુભાઇ છેલ્લા 25 વર્ષથી હીરાનો ધંધો ભાગીદારીમાં કરે છે. તેઓને પ્રથમ મવડી વિસ્તારમાં ઉદયનગર ખાતે કારખાનું હતી છેલ્લા ત્રણેક વર્ષથી બાપા સિતારામ ચોક ખાતે આવેલા સ્વાગત આર્કેટમાં સી.વી.ઇમ્પેક નામે કારખાનું શરુ કર્યુ છે. તેમની મુખ્ય ઓફિસ મુંબઇ અને સુરત ખાતે આવી હોવાથી દરરોજ તૈયાર થતા હીરા આંગડીયા દ્વારા મુંબઇ અને સુરત ખાતે મોકલવામાં આવે છે.
ગઇકાલે તા.1 હોવાથી અને દિવાળીનો તહેવાર હોવાથી રુા.8 લાખ કારખાનાના કારીગરોને પગાર ચુકવવા રાખ્યા હતા પરંતુ ગઇકાલે બુધવાર હોવાથી કેટલાક કારીગરો કારખાને આવ્યા ન હોવાથી આઠ લાખ કારખાનાની તિજોરીમાં રાખ્યા હોવાનું મુકેશભાઇ દુધાત્રાએ જણાવ્યું હતું.
પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ડોગ સ્કવોડ સાથે પહોચી તપાસ શરુ કરી છે. સ્વાગત આર્કેટના સીસીટીવી ફુટેજની તપાસ કરતા એક શખ્સ મોઢે બુકાની બાંધીને કારખાનામાં ઘુસતા જોવા મળ્યો છે. જ્યારે રોડ પર એક કાર શંકાસ્પદ આટાફેરા કરતી જોવા મળી છે.