અબતકના કેમેરામેનની સ્વીફટ કારને સાયલા પાસે અજાણ્યા વાહનની ઠોકર લાગતા કાર રોડ નીચે ઉતરી જવાના કારણે સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અબતક મિડીયા હાઉસના બંને કર્મચારીને સુરેન્દ્રનગર બાદ વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો છે. અકસ્માતના બનાવની જાણ થતા સાયલા પોલીસ અને સાયલાના પત્રકાર બંને મિડીયા કર્મચારીની વહારે દોડી ગયા હતા.
અમદાવાદ સારવાર કરાવી પરત આવતી વેળાએ અજાણ્યા વાહનની ઠોકર લાગતા મારૂતિ સ્વીફટ કાર રોડ નીચે ઉતરી જતા કારનો બુકડો બોલી ગયો
ઘવાયેલા બંને કેમેરામેનને સુરેન્દ્રનગરથી વઘુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેલનગર (રોણકી) ખાતે આવેલા ક્રિષ્ના બંગ્લોઝ-3માં રહેતા કરણ રાજુભાઇ વાડોલીયા અને બજરંગવાડીમાં રહેતા દિપેશ બહાદુરભાઇ ગરોધરા ગઇકાલે જી.જે.03એમઆર. 2389 નંબરની મારુતિ સ્વીફટ લઇને હોસ્પિટલના કામ અર્થે અમદાવાદ ગયા હતા. હોસ્પિટલનું કામ પતાવી કરણભાઇ વાડોલીયા કાર ચલાવી રાજકોટ પરત આવી રહ્યા હતા
ત્યારે સાયલાથી એકાદ કી.મી.રાજકોટ તરફ આવ્યા ત્યારે અજાણ્યા વાહનની ઠોકર લાગતા કાર રોડ નીચે ઉતરી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતના બનાવની જાણ થતા સાયલાના પત્રકાર વિપુલભાઇ દવે પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોચી બંને ઇજાગ્રસ્ત કેમેરામેનને સાયલા પ્રાથમિક સારવાર આપી સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
અબતકના કેમેરામેન કરણભાઇ વાડોલીયા અને દિપેશ ગરોધરાની હાલત હાલ સુધારા પર છે. અકસ્માતના કારણે મારુતિ સ્વીફટ કાર ભાંગીને ભુકો થઇ ગઇ છે. સદનશીબેન કારની એરબેગ ખુલી જતાં કરણભાઇ વાડોલીયા અને દિપેશ ગરોધરાનો બચાવ થઇ ગયો છે.