ગારીયાધાર નજીક આવેલા શેત્રુંજી નદી અને ફીફદ ગામ વચ્ચે મેરામણ નદી પાસે કપાસ ભરેલો ટ્રક પલટી મારી જતા ટ્રક ઉપર બેઠેલા ત્રણ પરપ્રાંતીય મજૂરોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે બે મજુરને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલીક સારવાર અર્થે ગારીયાધાર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ત્યારે આ બનાવવામાં પોલીસ દ્વારા ટ્રક ચાલક વિરોધ ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી છે.
ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી જતાં ત્રણેય મજૂરો કપાસ નીચે દબાઈ જતા કાળનો કોળિયો બન્યાં
વિગતો મુજબ ગારીયાધારમાં આવેલ અકબરભાઇ ઇબ્રાહીમભાઇ બિલખીયાના માલિકીના વિશ્વાસ જીનીંગ મિલમાં પવનભાઇ ચલીતભાઇ કામત તેના 25 મજુરો સાથે છેલ્લા 17 વર્ષથી વિશ્વાસ જીનીંગ મીલમાં મજુરી કરે છે જેમાં તેઓ ગઇકાલે ટ્રક નં. જીજે 9105 ડ્રાઇવર ઇરફાનભાઇ અબ્દુલભાઇ અબડા સાથે અન્ય ઇંદલકુમાર, મોહન, નવલ, મિથીલેશ તથા બીકી સહિતનાઓ છ મજુરો ટ્રક લઇ ફિફાદ ગામે કપાસ ભરવા ગયા હતા જ્યાંથી કપાસ ભરી ગારીયાધાર પરત ફરતા હતા તે વેળાએ ગારીયાધાર નજીક મહેરામણના પુલ ઉપર ટ્રકનો પાટો તુટી જતા ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવી દેતા ટ્રક પલ્ટી ખાઇ જવા પામ્યો હતો.
જેમાં ટ્રક ઉપર બેસેલ ઇંદલકુમાર બિકાવકુમાર સહની (ઉ.વ.26), મોહન પુરન મુખીયા (ઉ.વ,60) તથા નવલ તેતર સદા (ઉ.વ.30) ત્રણેય મજુરો ટ્રક તળે ચગદાઇ જતા ત્રણેયના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે મિથીલેશ, બીકી, ટ્રક ડ્રાઇવર તેમજ પવન કામનો આબાદ બચાવા થવા સાથે ત્રણેયને ગંભીર ઇજા સાથે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે આ બનાવવા મામલે અમરેલીના વંડા પોલીસ દ્વારા ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પાસે કારે બાઇકને ઠોકરે મારતા માતા – પુત્રની નજર સામે પિતાનું કરૂણ મોત
મોરબી જિલ્લાના ટંકારા તાલુકા ખાતે વાડીએ રહી મજૂરી કામ કરતા દંપતી અને તેનો પુત્ર ગઈકાલે મોટરસાયકલ પર વાડીએથી લજાઈ ગામ જઈ રહ્યા હતા ત્યારે ઓટાણા ના પાટીયા નજીક અજાણ્યા કારચાલકે તેમના બાઇકને ઠોકર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં માતા પુત્રને ગંભીર ઈજા પહોંચી હતી ત્યારે પિતાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે માતા પુત્રને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
બનાવની મળતી વિગતો અનુસાર ટંકારા ખાતે રહેતા કિશનભાઇ સુબેસિંગ વસ્કુલ્લા (ઉ.વ.38),તેની પત્ની સંગીતા કિશન વસ્કુલ્લા (ઉ.વ.35) અને તેના પુત્ર પંકજ કિશન વસ્કુલ્લા(ઉ. વ.6) સાથે બાઈક પર રચાઈ ગામથી ટંકારા તરફ જઈ રહ્યા હતા ત્યારે ઓટાળા ના પાટીયા પાસે અજાણ્યા કાર ચાલકે તેમને ઠોકર મારતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.જેમાં કિશનભાઈને ગંભીર ઈજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
જ્યારે તેમની પત્ની અને પુત્રને ઈજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે બનવા મામલે પોલીસ દ્વારા હાલ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.