રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની જુદી જુદી સ્ટેટ યુનિવર્સિટીના કાયમી કુલપતિ નિમવા માટેની પ્રક્રિયા તેજ કરી દીધેલ છે. ઉચ્ચ શિક્ષણ વિભાગે સૌરાષ્ટ્ર યુનિ. સહિત રાજયની અન્ય સાત યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ માટેની સર્ચ કમિટી જાહેર કરેલ છે.
સૌરાષ્ટ્ર યુનિ. માટેની સર્ચ કમિટીમાં ગોધરાની ગુરૂ ગોવિંદ યુનિ.ના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ બન્યાં સભ્ય
જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સર્ચ કમિટીમાં હરિયાણાની કુરૂક્ષેત્રે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સોમનાથ સચદેવ ચેરમેન છે. જયારે આ કમીટીના સભ્યોમાં સૌરાષ્ટ્ર યુનિ. ના જ પૂર્વ કુલપતિ અને હાલ ગોવિંદગુરુ યુનિવર્સિટી ગોધરાના પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે યુજીસી નોમીની સભ્ય તરીકે કર્ણાટકની બેગ્લોર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર થીમ્મે ગોવડાની નિયુકિત કરવામાં આવેલ છે.
મળતી માહીતી મુજબ રાજયની સાતેય યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ નિમવા માટેની પ્રક્રિયા આગળ વધી રહી છે. સૌરાષ્ટ્ર યુનિ.ને કાયમી કુલપતિ મળી જશે. અને તે માટે સર્ચ કમિટીની રચના કરાઇ છે.
આ ઉપરાંત જુનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કાયમી કુલપતિની પસંદગી માટેની સર્ચ કમીટીના ચેરમેન તરીકે સૌરાષ્ટ્ર યુનિ. ના પૂર્વ કુલપતિ ડો. નીતિન પેથાણીને મુકાયા છે. જયારે સભ્ય તરીકે સૌરાષ્ટ્ર યુનિ. ના એમ.બી.એ.ના હેડ ડો. સંજય ભાયાણી અને યુ.જી.સી.માંથી સભ્ય તરીકે વર્ધાની મહાત્મા ગાંધી આંતર રાષ્ટ્રીય હિન્દી વિશ્ર્વ વિદ્યાલયના કુલપતિ રજનીશ કુમાર શુકલાને મુકયા છે. આ ઉપરાંત આણંદની સરદાર પટેલ વિશ્ર્વ વિદ્યાલય, ભાવનગરની કૃષ્ણ કુમારસિંહજી યુનિવર્સિટી, કચ્છની શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી, અમદાવાદની બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને પાટણની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં પણ ટુંક સમયમાં કાયમી કુલપતિની નિમણુંક થઇ જશે.