અમદાવાદના પાદરમાં આવેલા વાંચ ગામની પરિઘમાં સંખ્યાબંધ ફટાકડાના એકમો આવેલા છે, જ્યાં આખું વર્ષ ફટાકડા બનાવવામાં આવે છે. સામાન્ય રીતે તમિલનાડુનું શિવાકાશી ફટાકડા માટે દેશ આખામાં પ્રચલિત છે પણ અમદાવાદનું આ ગામ ખુબ ઝડપથી ફટાકડા ક્ષેત્રે આગળ ધપી રહ્યું છે. ફકત 7500ની વસ્તી ધરાવતા આ ગામમાં હાલ 30 જેટલી ફટાકડાની ફેક્ટરી ધમધમી રહી છે.
ફકત 7500 લોકોની વસ્તી ધરાવતું વાંચ ગામમાં ધમધમે છે ફટાકડાના 30થી વધુ કારખાના
આશરે 20 વર્ષ પહેલાં આ ગામમાં ફટાકડાનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. હવે આ ગામમાં ફટાકડા ઉત્પાદનનું ક્લસ્ટર વધી રહ્યું છે, જેમાં દર વર્ષે કરોડો રૂપિયાનો કારોબાર કરતી 30 જેટલી ફેક્ટરીઓ ચાલી રહી છે.
દિવાળી અને ગુજરાતી નવું વર્ષ આડે એક મહિના કરતાં પણ ઓછો સમય બાકી છે ત્યારે ગામમાં ફટાકડા ઉત્પાદનનો ધમધમાટ છે. એસપી રિંગ રોડથી વાંચ ગામ સુધીના રસ્તા પર સંખ્યાબંધ પંડાલ બનાવવાનું કાર્ય શરૂ થઇ ગયું છે, કારણ કે તેઓ આ દિવાળીની સિઝનમાં ફટાકડાના બમ્પર વેચાણની અપેક્ષા રાખે છે.
ગામના સરપંચ ઉષા પટેલે જણાવ્યું હતું કે, ફટાકડાનો ધંધો દર વર્ષે વધી રહ્યો છે. મોટાભાગના કામદારો પંચમહાલ જિલ્લામાંથી આવે છે પરંતુ ફટાકડાના પેકિંગ અને વેચાણ માટે સ્થાનિક યુવાનોને પણ રોજગારી આપવામાં આવે છે.
જોકે ફેક્ટરીના માલિકો તેમના વાસ્તવિક વેચાણ વિશે ફોડ પાડતા નથી. જો કે, કેટલાકે એવુ ચોક્કસ કહ્યું છે કે, દરેક ફેક્ટરીનું વાર્ષિક ટર્નઓવર રૂ. 20 લાખથી રૂ. 60 લાખની વચ્ચે છે.
મોટા ભાગના કારખાનાના માલિકો અમદાવાદ સ્થિત મોટા વેપારીઓને ફટાકડા વેચે છે, જેઓ તેને રાજ્ય અને દેશના વિવિધ ભાગોમાં મોકલે છે.
વાચમાં લગભગ તમામ પ્રકારના ફટાકડા બનાવવામાં આવે છે પરંતુ મોટા ભાગના ‘મિર્ચી બોમ્બ’ અને ‘555 બોમ્બ’ છે.