રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોઈ તેમ દીન પ્રતિદિન મારામારીની ઘટના બનવા પામી છે.ત્યારે ગઈકાલે વધુ એક ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.જેમાં રૈયા ચોકડી પાસે આવેલા ભગવતી રેસ્ટોરન્ટના સંચાલક બંધુઓ પાસે રૂ.10,000 ની ઉઘરાણી કરવા આવેલા પિતા-પુત્ર પર પાઇપ અને ધોકા વડે હીચકારો હુમલો કર્યો હતો અને હવે પૈસા માંગવા આવ્યા તો બંનેને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. જ્યારે આ હુમલામાં ઘવાયેલા પિતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતા પોલીસે પિતા પુત્રની ફરિયાદ પરથી ભગવતી રેસ્ટોરન્ટના સંચાલક બંધુઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
રૂ.10 હજારની ઉઘરાણી કરવા આવેલા પિતા પુત્રને ધોકા અને પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા સારવારમાં ખસેડાયા
સીસીટીવી ફૂટેજ આધારે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બંને ભાઈઓની કરી શોધખોળ
મળતી વિગતો મુજબ, શહેરના મવડી વિસ્તારમાં આવેલા સોજીત્રા નગર શેરી નંબર 1 માં રહેતા અને કેટરીંગનું કામ કરનાર હાર્દિક બળવંતભાઈ પંચાસરા (ઉ.વ 30 ) નામના યુવાને ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં નટરાજનગર કૈલાશ પાર્ક શેરી નંબર 4 માં રહેતા અને રૈયા ચોકડી પાસે ભગવતી રેસ્ટોરન્ટ નામે રેસ્ટોરન્ટ ચલાવનાર મહેન્દ્ર ભુપતભાઈ કેસુર અને તેના ભાઈ ખોડા કેસુરનું નામ આપ્યું છે. જેમાં તેમને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ‘રા’ કેટરર્સના નામથી કેટરિંગનું કામ કરે છે તેઓ તેલના ડબ્બા ભગવતી રેસ્ટોરન્ટમાંથી લેતા હોય જેના વહીવટ પેકે રૂ.10 હજાર તેમને મહેન્દ્રભાઈ પાસેથી લેવાના નીકળતા હતા.
ગઈકાલ બપોરના યુવાન આ મહેન્દ્રભાઈના રેસટોરન્ટે રૂપિયા 10,000 લેવા માટે ગયો હતો અને તેણે કહ્યું હતું કે, તમારી પાસેથી જે ચેકના વહીવટમાં પૈસા પાસ થયેલ છે તેમાંથી અમારી લેણીના રૂપિયા 10,000 અમને પરત આપી દો. જેથી મહેન્દ્રભાઈએ કહ્યું હતું કે આની પહેલા તમે અમને પૈસામાં ખૂબ લબડાવ્યા હતા હવે તમને કોઈ પૈસા દેવાના થતા નથી જેથી યુવાને તેના પિતા બળવંતભાઈને ફોન કરીને બોલાવ્યા હતા.
દરમિયાન આ મહેન્દ્ર યુવાન અને તેના પિતા સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને ઉશ્કેરાઈ જઈ રેસ્ટોરન્ટમાંથી લોખંડનો પાઇપ કાઢી હુમલો કરી દીધો હતો દરમિયાન મહેન્દ્રનો ભાઈ ખોડા પણ અહીંથી લાકડાના લોકો લઈ આવી યુવાન અને તેના પિતા પર હુમલો કરી દીધો હતો. બચાવ માટે ખુરશી આડી રાખતા ખુરશી પર તોડી નાખી હતી. બાદમાં પિતા-પુત્ર અહીંથી બહાર નીકળી 108 ને ફોન કરતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
યુવાને ફરિયાદમાં વધુમાં જણાવ્યું હતું કે, રેસ્ટોરન્ટ સંચાલક મહેન્દ્રભાઈ હુમલો કર્યો હતો તે સમયે તેઓ કહેતા હતા કે પૈસા દેવાના થતા નથી જે કરવું હોય તે કરી લો હવે પૈસા માંગવા આવ્યા તો બંને બાપ દીકરાને જાનથી મારી નાખીશું આ અંગે યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ભગવતી રેસ્ટોરન્ટ ના સંચાલક બંધુઓ સામે ગુનો નોંધ્યો છે.જ્યારે સામાપક્ષે રેસ્ટોરન્ટ સંચાલકે પણ હાર્દીક પંચાસરા અને તેના બળવંત પંચાસરાએ રેસ્ટોરન્ટ પર ઉઘરાણી માટે આવી ખુરશી વડે હુમલો કર્યાની ફરિયાદ કરી હતી.જે અંગે પોલીસે એન.સી ગુનો નોંધ્યો હતો.જ્યારે આ મામલે હેડ કોન્સ. ભગીરથસિંહ ખેરે આગળની કાર્યવાહી હાથધરી છે.