ઘરમાં લગ્ન પ્રસંગ હોવાનું અથવા તો કોઈનું મૃત્યું થયું હોવાનું કારણ દર્શાવી ઓર્ડર કેન્સલ કરાવવા લાંબી લાઈનો
અમદાવાદ કલેક્ટર કચેરીમાં હાલમાં ચૂંટણીના ઓર્ડર કેન્સલ કરાવવા માટે લોકોની રીતસરની લાઈનો લાગતી હોવાનું જણાઈ રહ્યું છે. ચૂંટણીમાં કામગીરી માટે ઓર્ડર થયા બાદ આ કર્મચારીઓ અવનવા બહાના બનાવી ઓર્ડર કેન્સલ કરાવવા માટે કલેક્ટર કચેરી ખાતે દોડી આવી રહ્યા હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં કલેક્ટર કચેરીમાં વિવિધ રિટર્નીંગ ઓફીસર પાસે તથા કચેરીમાં એક હજાર કરતા વધુ લોકોએ ઓર્ડર રદ કરવા માટે અરજી કરી હોવાનું જાણવા મળે છે. જોકે, તે પૈકી અનેક લોકોએ ખોટા બહાના બનાવી ઓર્ડર રદ કરવા માટે રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભાની બેઠકો પર બીજા તબક્કામાં ૧૪ ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. જેની તૈયારીના ભાગરૂપે કલેક્ટર કચેરી દ્વારા પોલિંગ સ્ટેશન માટે વિવિધ કર્મચારીઓના ઓર્ડર ઈશ્યુ કર્યા હતા. અમદાવાદ જિલ્લાની ૨૧ બેઠકો માટે અંદાજે ૩૦ હજાર જેટલા કર્મચારીઓના ઓર્ડર ઈશ્યુ કરવામાં આવ્યા હતા. જોકે, ઓર્ડર ઈશ્યુ થયા બાદ કર્મચારીઓમાં કચવાટ ફેલાયો હતો અને પોત પોતાની રીતે ઓર્ડર રદ કરાવવા માટે કલેક્ટર કચેરીના આંટા ફેરા શરૂ કરી દીધા છે. જેમાં અંદાજે એક હજાર કરતા વધુ કર્મચારીઓએ ઓર્ડર રદ કરવા માટે લેખિતમાં રજૂઆતો કરી હોવાનું જાણવા મળે છે.
કલેક્ટર કચેરીમાં ઓર્ડર રદ કરવા માટે આવતા કર્મચારીઓ પૈકી અનેક કર્મચારીઓ ખોટા બહાના બનાવી ઓર્ડર રદ કરવા રજૂઆત કરતા હતા. જ્યારે કેટલાક કર્મચારીઓને ખરેખર પ્રશ્ન હોવાનું પણ ધ્યાને આવ્યું છે.
જેમાં કર્મચારીઓ જે બહાના રજૂ કરતા હતા તેમાં સૌથી વધુ બહાના પોતાના ઘરમાં લગ્ન હોવાનું કારણ આગળ ધરતા હતા. જ્યારે અમુક કિસ્સામાં કર્મચારીઓ પોતાના લગ્ન હોવાનું જણાવીને પણ ઓર્ડર રદ કરાવવા માટે આવ્યા હતા.
અમુક કિસ્સામાં તો કેટલાક ખેલાડી કર્મચારીઓ બોગસ લગ્નનું કાર્ડ પણ અરજી સાથે જોડી ઓર્ડર રદ કરાવવા માટે રજૂઆત કરતા હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ફેક્ચર, ઘરમાં કોઈનું મોત, ઘરમાં અન્ય કોઈ પ્રસંગ સહિતના કારણો દર્શાવી ઓર્ડર કેન્સલ કરાવવા મથામણ કરતા હોવાનું જાણવા મળે છે.
જોકે, હાલમાં કલેક્ટર કચેરી દ્વારા ખરેખર કામ હોય તેવા ઓર્ડર જ રદ કર્યા છે. જ્યારે અન્ય તમામ ઓર્ડર માટે આવેલી અરજીઓ વિચારણાધિન હોવાનું જણાવી પેન્ડીંગ કરી દીધી છે.