બનાવ અંગે અનેક અહેવાલોમાં દાવા, સત્તાવાર કોઈ માહિતી નહિ
આંતરરાષ્ટ્રીય ન્યૂઝ
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને હાર્ટએટેક આવ્યો હોવાના અહેવાલ છે. હાલ તેઓની તબિયત સ્થિર હોવાનું પણ સામે આવી રહ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, ક્રેમલિન ગાર્ડ્સે પુતિનને તેના બેડરૂમમાં ફ્લોર પર પડેલા જોયા. આ પછી તેને વિશેષ મેડિકલ સુવિધામાં લઈ જવામાં આવ્યા હતા. પુતિનની તબિયત બગડી રહી હોવાની જાણ ડોક્ટરોને તરત જ કરવામાં આવી હતી. રશિયાના ભૂતપૂર્વ લેફ્ટનન્ટ જનરલે તેમની ટેલિગ્રામ ચેનલ જનરલ એસવીઆર પર આ માહિતી શેર કરી છે. તેમણે કહ્યું કે પુતિનના સુરક્ષા અધિકારીઓએ તેમના રૂમમાંથી કંઈક પડવાનો અવાજ સાંભળ્યો. જ્યારે તેઓ અંદર પહોંચ્યા તો તેમને રશિયન રાષ્ટ્રપતિ જમીન પર ઢળી પડેલા જોયા હતા.
અહેવાલ અનુસાર પુતિનના બેડની નજીક એક ટેબલ પણ પડ્યું હતું, જેના પર ખાવા-પીવાની વસ્તુઓ હતી. પુતિનની હાલત હવે સારી હોવાનું કહેવાય છે. તેઓ ભાનમાં પણ છે. જણાવીએ કે આ ચેનલ પર પુતિનના સ્વાસ્થ્યને લગતા ખોટા સમાચાર પહેલા પણ આવી ચુક્યા છે. આ પહેલા એપ્રિલમાં પણ આ ચેનલે દાવો કર્યો હતો કે પુતિન ખૂબ બીમાર છે. તેને માથાનો દુખાવો અને સ્પષ્ટ દેખાવામાં સમસ્યાઓ છે. ગયા વર્ષે મે મહિનામાં પણ આ ચેનલે કહ્યું હતું કે પુતિને એક સર્જરી કરાવી છે.
આ સિવાય ગયા વર્ષે એક વીડિયો જોયા બાદ ઘણા લોકોએ દાવો કર્યો હતો કે પુતિનને પાર્કિન્સન રોગ છે. વીડિયોમાં પુતિનની જીભ લથડી રહી હતી અને તેના હાથ-પગ ધ્રૂજતા જોવા મળ્યા હતા. યુક્રેન યુદ્ધ પછી, એવી અટકળોએ જોર પકડ્યું કે પુતિન મૃત્યુના આરે છે અને પોતાનો વારસો મજબૂત કરવા માટે આ યુદ્ધ ચલાવી રહ્યા છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં, એક અમેરિકન મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ગંભીર રીતે બીમાર છે અને થોડા દિવસો પહેલા મોસ્કોમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનની સીડીઓ પરથી નીચે પડી ગયા હતા. જોકે, આ ઘટનાના બીજા દિવસે તેણે રશિયામાં એક ખાસ ટેસ્ટિંગ લેબની પણ મુલાકાત લીધી હતી.