નાની કંપનીઓને આઈપીઓ ફળ્યા છે. કારણકે એક વર્ષમાં કંપનીઓએ 3540 કરોડનું રોકાણ મેળવ્યું છે. ગયા વર્ષની તુલનાએ મોટા પ્રમાણમાં રોકાણકારો એસએમઇ આઇપીઓ તરફ વળતા રોકાણ બમણું થઈ ગયું હોવાનું જાહેર થયું છે.
ગયા વર્ષની તુલનાએ મોટા પ્રમાણમાં રોકાણકારો એસએમઇ આઇપીઓ તરફ વળતા રોકાણ બમણું થઈ ગયું
આ વર્ષ અત્યાર સુધી નાના અને મધ્યમ ઉદ્યોગોના આઇપીઓ માટે ઘણું સારું રહ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિવિધ એકમોએ 139 એસએમઇ આઇપીઓ દ્વારા રૂ. 3,540 કરોડ એકત્ર કર્યા છે. આ આંકડો ગયા વર્ષની સરખામણીએ લગભગ બમણો છે. ગયા વર્ષની વાત કરીએ તો સમગ્ર 2022માં 109 કંપનીઓએ એસએમઇ આઇપીઓ દ્વારા રૂ. 1,875 કરોડ એકત્ર કર્યા હતા. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ એસએમઇ આઇપીઓ માટે સ્થિતિ અનુકૂળ રહેવાની અપેક્ષા છે. માહિતી અનુસાર, બીએસઇ અને એનએસઇના પ્લેટફોર્મ પર કુલ 139 આઇપીઓ ડેબ્યૂ થયા છે.
સપ્ટેમ્બર મહિનામાં જ 37 એસએમઇ આઇપીઓ આવ્યા છે. સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ સેક્ટરમાં આઇપીઓ લોન્ચ કરતી કંપનીઓ, મુખ્યત્વે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, રોજિંદા ઉત્પાદનો બનાવતી કંપનીઓ એટલે કે એફએમસીજી કંપનીઓ, ઓટો કમ્પોનન્ટ્સ, ફાર્મા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એડવર્ટાઇઝિંગ અને હોસ્પિટાલિટી સેક્ટર સહિતના ક્ષેત્રોમાં રોકાણકારોએ સૌથી વધુ રોકાણ કર્યું છે. આ કંપનીઓએ વિસ્તરણ માટે, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને લોનની ચુકવણી માટે આ રકમ એકત્ર કરી છે.
બજારના નિષ્ણાતો કહે છે કે એમએસઇ ક્ષેત્રોમાં ઝડપી વૃદ્ધિની સંભાવનાએ રોકાણકારોને વધુને વધુ આકષ્ર્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રની કંપનીઓએ સારો નફો આપ્યો છે. ઘણી કંપનીઓ બજારની સાનુકૂળ સ્થિતિનો લાભ ઉઠાવી રહી છે અને આઇપીઓ દ્વારા મૂડી એકત્ર કરી રહી છે. આ કંપનીઓમાં રોકાણ કરનારા રોકાણકારો મૂલ્ય કાઢવા માગે છે અને બહાર નીકળવા માગે છે.