જો હમાસ ટ્રકની લૂંટ ચલાવશે તો સહાય આપવાની બંધ કરી દેવાની પણ ચીમકી
આંતરાષ્ટ્રીય ન્યૂઝ
પ્રથમ તબક્કામાં ઇજિપ્ત સરહદથી આવશ્યક વસ્તુઓના 20 ટ્રકની પ્રારંભિક સહાય મોકલાશે, ત્યારબાદ વધુને વધુ ટ્રક
મોકલવાનો નિર્ધાર, જો હમાસ ટ્રકની લૂંટ ચલાવશે તો સહાય આપવાની બંધ કરી દેવાની પણ ચીમકી.
આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલ પર હુમલાના 13 દિવસ બાદ પણ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ ચાલુ છે. હમાસના આતંકવાદીઓ ગાઝા પટ્ટીથી સતત રોકેટ હુમલા કરી રહ્યા છે. જોકે, ઈઝરાયેલ પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. દરમિયાન, ઇઝરાયલ તરફ ઘણા કડક પગલા લેવામાં આવી રહ્યા છે, જેના કારણે ગાઝામાં માનવીય સંકટ ઉભું થયું છે. એક દિવસ પહેલા જ ગાઝાની એક હોસ્પિટલમાં થયેલા વિસ્ફોટમાં સેંકડો લોકોના મોત થયા હતા. આ સ્થિતિઓને જોતા અમેરિકાએ ગાઝા પટ્ટીમાં રાહત સામગ્રી પહોંચાડવાનો નિર્ણય કર્યો છે. જો કે, આ મદદ ઇઝરાયેલની સરહદથી નહીં પરંતુ ગાઝા સાથેની ઇજિપ્તની સરહદ પર રફાહ ક્રોસિંગથી મોકલવામાં આવશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે લાંબી વાતચીત બાદ ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી આ ક્રોસિંગ ખોલવા માટે સંમત થયા છે.
ઇજિપ્ત પ્રથમ તબક્કામાં અમેરિકાથી ગાઝા માટે 20 ટ્રકની પ્રારંભિક સહાય મોકલવા માટે સંમત થયું છે. ઇજિપ્ત આ માટે રફાહ ક્રોસિંગ ખોલશે. જો કે, આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને હમાસને ચેતવણી આપી છે કે જો આતંકવાદીઓ આ રાહત સામગ્રીને પડાવી લેવાની અથવા કબજે કરવાનો પ્રયાસ કરશે તો આ માનવતાવાદી સહાયને અહીં રોકી દેવામાં આવશે.
બિડેને કહ્યું, અલ-સીસી 20 ટ્રક ગાઝા મોકલવા માટે રફાહ ક્રોસિંગના દરવાજા ખોલવા માટે સંમત થયા છે. તેમનું માનવું છે કે આ ટ્રકોને પહોંચવામાં આઠ કલાકનો સમય લાગશે. આ ખૂબ જ સ્પષ્ટ કરાર હતો. અમે શક્ય તેટલી વધુ ટ્રકો ઇચ્છતા હતા. મોકલવા જોઈએ.મને લાગે છે કે લગભગ 150 ટ્રક મોકલવી જોઈએ. અમારી પ્રતિબદ્ધતા છે કે જેવી આ ટ્રકો સરહદ પાર કરશે, ગાઝા બાજુના યુએનના લોકો તેને લોકોને વહેંચશે, જેમાં થોડો સમય લાગશે. પરંતુ જો હમાસના લોકો તેને કબજે કરવાનો પ્રયાસ કરશે અથવા આગળ કોઈ પ્રગતિ થવા દેશે નહીં, તો આ રાહત પુરવઠો તરત જ બંધ થઈ જશે, પછી આવી કોઈ મદદ મોકલીશું નહીં.
ઉલ્લેખનીય છે કે અમેરિકી રાષ્ટ્રપતિ બુધવારે ઈઝરાયેલની મુલાકાતે ગયા હતા. અહીં તેઓ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને મળ્યા અને ઈઝરાયેલ સાથે ઊભા રહેવાની અમેરિકાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ મુલાકાત બાદ તેણે ઈઝરાયેલના પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને પણ મળવાની હતી અને ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા અંગે વાત કરવાની હતી. જો કે મંગળવારે મોડી રાત્રે ગાઝા હોસ્પિટલ પર થયેલા હુમલા બાદ બિડેનની આ બેઠકો એક પછી એક રદ કરવામાં આવી હતી. આમ છતાં ઈઝરાયેલથી પરત ફરતી વખતે અમેરિકી રાષ્ટ્રપતિએ ઈજિપ્તના રાષ્ટ્રપતિ સાથે વાત કરી હતી.
બ્રિટિશ PM ઋષિ સુનક આજે ઇઝરાયલ પ્રવાસે
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે બ્રિટિશ પીએમ ઋષિ સુનક ગુરુવારે ઈઝરાયલ પહોંચશે. ઋષિ સુનક ઇઝરાયેલમાં પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગને મળશે. બ્રિટિશ વડા પ્રધાનના કાર્યાલયના જણાવ્યા અનુસાર, ઋષિ સુનક બેન્જામિન નેતન્યાહૂને સમર્થન બતાવવા અને ગાઝા અને ઇઝરાયેલમાં હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે મળશે. ઈઝરાયલની મુલાકાત પહેલા બ્રિટિશ પીએમએ એક નિવેદનમાં કહ્યું હતું કે ’દરેક નાગરિકનું મોત એક દુર્ઘટના છે. હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં અનેક લોકોના જીવ ગયા તે ભયંકર છે. આ એક મહત્વપૂર્ણ સમય છે જેમાં આ ક્ષેત્ર અને વિશ્વના નેતાઓએ સાથે આવવાની જરૂર છે અને આ તકરાર વધુ ન વધે તે માટે પ્રયાસ કરવાની જરૂર છે. બ્રિટિશ પીએમએ ખાતરી આપી હતી કે જ્યારે સમાધાન માટે પ્રયાસો થશે ત્યારે બ્રિટન આ પહેલમાં સૌથી આગળ હશે