આપણી પ્રાચીન લોકસંસ્કૃતિ, લોકનૃત્ય, લોકકલા અને પરંપરાઓની જાળવણી કરવાની સાથે સાથે કલાકારોમાં પડેલી કલાને ઉજાગર કરવા ઉપરાંત પાંગરતી પ્રતિભાઓ તેમજ અપ્રચલિત કલાકારોને પ્લેટફોર્મ પુરુ પાડવા ‘અબતક’ ચેનલનો હંમેશા પ્રયાસ રહ્યો છે.જગત જનની જોગમાયા માં નવદુર્ગાના નવલા નોરતા દરમિયાન આદ્ય શકિતના ગુણાનુવાદમાં લીન થવા ‘બેઠા ગરબા’ પણ એક અનોખી ભકિત છે. આ પરંપરાનું જતન સાથે પ્રચાર-પ્રસાર કરવામાં મહિલાઓનો મુખ્ય ફાળો રહ્યો છે. અને મહિલાઓ દ્વારા ‘બેઠા ગરબા’ માં ગવાતા પ્રાચિન ગરબામાં જાણે કે માઇ ભકતોનો મા પ્રત્યે ના પ્રેમનો ધોધ વહેતો હોય તેવું વાતાવરણ જોવા મળતું હોય છે.
સખી ગ્રુપ રાજકોટના બહેનોના કંઠે ગવાયેલા ગરબામાં શકિતની ભકિતનું દર્શન
સખી ગ્રુપ – રાજકોટની મહિલાઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ‘બેઠા ગરબા’ ની પરંપરા જાળવવા અથાગ પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે આ પરિવારની મહિલાઓ નયનાબેન અંજારીયા, ધ્રુવાબેન અંજારીયા, ઉષ્માબેન વોરા, ધૈર્યાબેન ઓઝા, દિપાબેન બુચ, એશાબેન અંજારીયા, જીજ્ઞાશાબેન વોરા, જાગૃતિબેન અંજારીયા ના કંઠે ગવાયેલા પ્રાચીન ગરબાઓને નિર્ઝર ભાઇ વસાવડાના તબલાનો તાલ મળ્યો છે. પલ્લવીબેન અંજારીયા અને જયશ્રીબેન માંકડ દ્વારા નવલા નોરતામાં જગત જનની જોગમાયા જગદંબાની ઝાંખી કરાવતી વાતો કહેવામાં આવી છે. જે કાલે સવારે 8.30 કલાકે ‘અબતક’ ચેનલના આદ્યશકિતના બેઠા ગરબા કાર્યક્રમમાં રજુ થશે જેનું પુન:પ્રસારણ સાંજે 6.30 કલાકે પ્રસારીત થશે.
તો આવો ‘સખી ગ્રુપ રાજકોટ ’ ની બહેનો ના બેઠા ગરબા દ્વારા શકિતની ભકિતમાં લીન થઇએ. ભૂલાય નહી હો….