ગાંધીનગર સમાચાર
આદ્યશક્તિ માં અંબાની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરિયા ગરબા મહોત્સવનો લોકપ્રિય નેતા, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિ વચ્ચે રંગારંગ પ્રારંભ થયો હતો.
અમિત શાહ જનતાની વચ્ચેથી ચાલી તેમની બેઠકના સ્થાને પહોંચ્યા હતાં. તેમના આગમન સાથે જ ખેલૈયાઓ અને દર્શકોનો ઉત્સાહ બમણો થયો હતો જેનાથી તેઓની લોકપ્રિયતાનો અંદાજો સ્પષ્ટપણે લગાવી શકાય છે. તેમણે ઉપસ્થિત જનતાનું અભિવાદન કર્યું હતું. ધારાસભ્ય રીટાબેન પટેલ તેમજ સહાય ફાઉન્ડેશન દ્વારા શ્રી અમિતભાઈ શાહનું અયોધ્યા રામ મંદિરના મોમેન્ટો અને ખેસથી સ્વાગત કર્યું હતું. એ બાબત સર્વવિદિત છે કે અમિત શાહને બાળકો પ્રત્યે વિશેષ લગાવ છે ત્યારે તેઓએ ગરબા ગ્રાઉન્ડમાં ગરબે રમતી બે નાની દીકરીઓને તેમની પાસે મંચ ઉપર આવવા જણાવ્યું હતું જ્યાં બન્ને દીકરીઓ ગરબે ઝૂમી હતી. અમિત શાહે બન્ને દીકરીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરી હતી. કેસરિયા ગરબાના પ્રથમ દિવસે ભવ્ય આતશબાજી યોજાઇ હતી.
ગાંધીનગરમાં પ્રથમ વખત સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરિયા ગરબામાં પ્રથમ દિવસે ૨૯,૦૦૦ જેટલા ફૂટફોલ નોંધાયા હતાં. ગાંધીનગરવાસીઓએ અંબે માં ઉપરાંત શ્રી રામ મંદિરની ૧૦૧ ફૂટ ઊંચી પ્રતિકૃતિમાં શ્રી રામ, લક્ષ્મણજી, સીતા માતા અને હનુમાનજીની દ્રશ્યમાન મૂર્તિ તેમજ અયોધ્યાથી લાવેલી પાદુકાઓના દર્શનનો લ્હાવો લીધો હતો. કેસરિયા ગરબા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના કટ આઉટ સાથે ફોટો ખેચવા તેમજ અંગદાનની ચળવળને વેગ આપતા સંદેશા સાથે ફોટો સ્ટેશન ઊભા કરાયા છે. તેમજ ૩૬૦ ડિગ્રી રોટેશન સાથે વિડિયો લેવા માટે વિશેષ સ્ટેન્ડ બનાવાયું છે જે મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પ્રથમ નોરતે ગાયક પ્રહર વોરા અને ટીમે ખેલૈયાઓને ગરબાના તાલે ઝૂમાવ્યા હતાં.ગરબાની શરૂઆત અને સમાપન રાષ્ટ્રગીત થી કરવામાં આવ્યું હતું. રાધે રાધે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના સહયોગથી કેસરિયા ગરબાના પ્રાંગણમાં ૧૫૫૧ ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે ગૌરવવંતી શૌર્ય મહાયાત્રા યોજાઇ હતી. આ ઉપરાંત કેસરિયા ગરબા મહોત્સવ દરમિયાન એકત્રિત થયેલા પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કરી તે વેસ્ટમાંથી બાંકડાઓ, લખવાના પેડ અને કુંડા બનાવવાની વ્યવસ્થા સહાય ફાઉન્ડેશન દ્વારા કરાઈ છે.
પ્રથમ નોરતે સહાય ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ બાલ, બાલિકા(વય: ૭ વર્ષ સુધી); શ્રેષ્ઠ ગોપાલ, ગોપી (વય ૭ થી ૧૨ વર્ષ); શ્રેષ્ઠ કિશોર, કિશોરી (વય ૧૩ થી ૧૭ વર્ષ); શ્રેષ્ઠ રાજકુમાર, રાજકુમારી (વય ૧૮ થી ૩૫ વર્ષ); શ્રેષ્ઠ રાજા, રાણી (વય ૩૫ વર્ષથી વધુ) ; શ્રેષ્ઠ પ્યારી જોડી (વય ૧૮ થી ૩૫ વર્ષ)ની શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને વસ્ત્ર સહિતની કેટેગરીમાં ૩૮ ખેલૈયાઓને વિજેતા અને રનર્સ અપ તરીકે શ્રી રામ મંદિર મોમેન્ટો, આકર્ષક ગિફ્ટ, રોકડ ઈનામ તેમજ ગિફ્ટ વાઉચર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતાં. ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટાબેન પટેલે સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબા નવરાત્રી મહોત્સવને પ્રથમ નોરતે થી જ બહોળો જનપ્રતિસાદ આપવા બદલ ગાંધીનગરવાસીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.