અમદાવાદથી લગભગ 80 કિલોમીટરના અંતરે ધોળકા તાલુકામાં સરગવાલા નદીની સીમ ખાતે સાબરમતી અને ભોગાવો નદીની વચ્ચે એક વિસ્તાર આવેલો છે. જેને સ્થાનિકો ‘લોથલ’ તરીકે ઓળખતા, ‘લોથ’ એટલે મૃતદેહ તથા લોથલ એટલે ‘મૃતદેહોનો ઢગલો’ એવો અર્થ થાય છે.
1955 આસપાસ એએસઆઈ (આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયા)ના અધિકારી ડૉ. શિકારીપુરા રંગનાથ રાવે આ વિસ્તારમાં ખોદકામ કરાવ્યું હતું, જેમાં પ્રાચીન નગરવ્યવસ્થા અને તેના અવશેષ મળી આવ્યા હતા.લોથલનો સમયગાળો ઈસ પૂર્વે 2440થી ઈસ પૂર્વે 1900 હોવાનું અનુમાન છે. હાલમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલું મોહેં-જો-દડો એ સિંધુ ઘાટી સંસ્કૃતિનું એક મહત્ત્વપૂર્ણ શહેર છે, જેની શોધ 1920ના દાયકામાં થઈ હતી. મોહેં-જો-દડો શબ્દનો મતલબ ‘લાશોનો ઢગલો’ એવો થાય છે.
લોથલનું નગર ઉપર અને નીચે ભાગ એમ બે ખંડમાં વહેંચાયેલું જોવા મળે છે. ઊંચાણવાળો વિસ્તાર લગભગ ચાર મીટર ઊંચો છે અને તેને માટીની ઇંટોથી તૈયાર કરવામાં આવ્યો છે.નીચાણવાળો ભાગ બે વિભાગમાં છે, જ્યાં ખોદકામ દરમિયાન મળી આવેલાં સાધનો તથા અન્ય પુરાવાના આધારે તાંબાનું કામ કરનારા, મણકાનું કામ કરનારા તથા સોનીઓની દુકાનો આવેલી હોવાનું માનવામાં આવે છે.
શહેરની રચના આજના સમયની કૉલોની વ્યવસ્થા જેવી છે, આયોજનબદ્ધ રીતે નિર્મિત ઘરમાં બાથરૂમ તથા ગંદાં પાણીના નિકાલ માટે ગટરવ્યવસ્થા હતી. આ સિવાય મોટી જાહેર ઇમારતો મળી આવી છે, જે સભાગૃહ કે મંદિર હશે એવું અનુમાન છે.
શહેરમાં બે મુખ્ય માર્ગો જોવા મળે છે. એક ઉત્તરથી દક્ષિણ તરફ લંબાય છે, જ્યારે બીજો પૂર્વથી પશ્ચિમ તરફ લંબાય છે. તેમને સમાંતર નાની-નાની શેરીઓ છે, જે એકબીજાને જોડે છે. માર્ગો અને શેરીઓ એકબીજાને કાટખૂણે કાપે છે.આવી જ રીતે નાની ગટર મોટી ગટરને મળતી હતી અને તેનો છેડો નદીમાં મળતો હતો. ઓટ સમયે કચરો વહી જાય તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી હતી.શહેરને દરિયાની ભરતીના પાણીથી બચાવવા માટે 12થી 21 મીટર પહોળી દીવાલ બનાવવામાં આવી હતી.
ભારતમાં ધોળાવીરા અને લોથલ ઉપરાંત કાલિબંગાન , રંગપુર તથા રાખીગઢી ખાતેથી સિંધુ ઘાટીની સભ્યતાના અવશેષો મળી આવ્યા છે.ખોદકામ દરમિયાન હળ અને રમકડાં સ્વરૂપનું બે પૈડાંવાળું બળદગાડું મળી આવ્યું છે, જેના આધારે એવું અનુમાન કરવામાં આવે છે કે તેઓ ખેતીકામ અને પશુપાલન કરતાં, જ્યારે માલની હેરફેર માટે તેનો ઉપયોગ કરવામાં આવતો, પરિવહનની આ વ્યવસ્થા 21મી સદીમાં પણ ગ્રામ્ય ભારતમાં પ્રચલિત છે.