મહિલા અનામત બિલ એક ખુબ મોટું પગલું છે, તેમાં કોઈ શંકા નથી. તેમ છતાં આ મુદ્દો અહીં અટકતો નથી. હવે લોકશાહીમાં ધારાસભા અને સંસદમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ચોક્કસ વધશે પરંતુ શું તેનો અર્થ એવો ઘડી શકાય કે તેના લીધે શેરી-મહોલ્લા-રોડ-રસ્તા પર મહિલાઓ વધુ સુરક્ષિત રહેશે? મહિલાઓ પર જુલ્મના અનેક કિસ્સાઓ છાસવારે સામે આવતા જ હોય છે. તેમાં પણ સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે આવા રુવાડા ઉભા કરી દેનારા દ્રશ્યો પણ જોવા મળતા જ હોય છે.
હાલ પોલીસ ખાતામાં મહિલાઓની ભાગીદારી માત્ર 10.5%!!
ત્યારે હવે સ્પષ્ટપણે મહિલા અનામત બિલમાં સુધારો કરવાની તાતી જરૂરિયાત છે. રાજકારણમાં મહિલા અનામત બિલની જેમ હવે ભારતીય પોલીસમાં મહિલાઓની હાજરીને 33% સુધી વધારવાનો સમય આવી ગયો છે. જો રાજકારણ અને પોલીસ ખાતામાં એકસાથે મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તો મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ શકે છે.
હાલ ભારતની પોલીસમાં મહિલાઓની ભાગીદારી આશરે 10.5% છે. હવે આ બાબતને સમય પર છોડી દેવામાં આવે તો મહિલાઓની પોલીસ ખાતામાં ભાગીદારી 33% સુધી પહોંચાડતા લગભગ 50 વર્ષ સુધીનો સમય લાગી જશે. સ્વીડન, ઑસ્ટ્રેલિયા અને નેધરલેન્ડને મોડેલ તરીકે સ્વીકારવામાં આવે તો આ દેશોમાં મહિલાઓના હિતોનું સર્વશ્રેષ્ઠ રક્ષણ થાય છે કારણ કે ત્યાંના સંસદમાં અને પોલીસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એકસમાન અને સુવ્યવસ્થિત છે.
દુ:ખની વાત એ છે કે ભારતમાં મહિલાઓ સામેના ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે. દેશમાં લગભગ 29% પરિણીત મહિલાઓએ ઘરેલુ હિંસાનો સામનો કરવો પડે છે. આ બાબત સ્પષ્ટપણે પોલીસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારવાની માંગ કરે છે.એક સંશોધન અનુસાર ભારતમાં મહિલાઓ વિરુદ્ધના અનેક બનાવો પોલીસ મથક સુધી પહોંચતા નથી. તેની પાછળ એક પરિબળ એવુ પણ છે કે, મહિલાઓ પુરુષ અધિકારીઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવવામાં ખચકાટ અનુભવે છે. પણ જો મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય તો કદાચ મહિલાઓ હિંમત કરીને પોલીસ મથક સુધી પહોંચી પણ શકશે અને મુક્તમને આપવીતીનું વર્ણન પણ કરી શકશે.
આ બાબતોને જ ધ્યાને રાખીને રાજકોટ સહીત રાજ્યભરમાં પોલીસ દ્વારા ’શી’ ટીમની રચના કરવામાં આવી છે. જે મહિલાઓની સમસ્યા સમજી શકે અને તેનું નિવારણ એક મહિલા તરીકે કરી શકે. પંજાબ પોલીસે પણ સાંજ શક્તિ અને પંજાબ પોલીસ મહિલા મિત્ર સમિતિની સ્થાપના કરી છે. જ્યાં મહિલા પોતાની ફરિયાદ નોંધાવવા માટે ઓલ-વુમન હેલ્પ ડેસ્કનો સંપર્ક કરી શકે છે. અન્યત્ર પણ આવી જ પહેલ કરવામાં આવી છે પરંતુ આ પાસાને સંપૂર્ણ રીતે સાકાર કરવા માટે દરેક સ્તરે સારી સંખ્યામાં મહિલા પોલીસ અધિકારીઓની જરૂર છે.
ભારતની સંસદના બંને ગૃહોમાં મહિલા અનામત બિલ સર્વસંમતિથી પસાર થવું વ્યાપક સ્પેક્ટ્રમ સમર્થન વિના થઈ શક્યું ન હતું. આનાથી આશા છે કે પોલીસ દળમાં 33% મહિલાઓને સ્થાન આપવાની નીતિને અમલમાં મૂકવી બિલકુલ મુશ્કેલ નહીં હોય. જ્યારે લોખંડ ગરમ હોય ત્યારે પ્રહાર કરવાનો શ્રેષ્ઠ સમય છે.
પુરુષ અધિકારીને આપવીતી વર્ણવામાં મહિલાઓ અનુભવે છે ખચકાટ
એક સંશોધન અનુસાર ભારતમાં મહિલાઓ વિરુદ્ધના અનેક બનાવો પોલીસ મથક સુધી પહોંચતા નથી. તેની પાછળ એક પરિબળ એવુ પણ છે કે, મહિલાઓ પુરુષ અધિકારીઓ સમક્ષ પોતાની વ્યથા ઠાલવવામાં ખચકાટ અનુભવે છે. પણ જો મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય તો કદાચ મહિલાઓ હિંમત કરીને પોલીસ મથક સુધી પહોંચી પણ શકશે અને મુક્તમને આપવીતીનું વર્ણન પણ કરી શકશે.
મહિલાઓના પ્રતિનિધિત્વના મુદ્દાને સમય પર છોડી દેવામાં આવે તો 33%નો લક્ષ્યાંક સિદ્ધ કરતા પાંચ દાયકા લાગશે!!
હાલ ભારતની પોલીસમાં મહિલાઓની ભાગીદારી આશરે 10.5% છે. હવે આ બાબતને સમય પર છોડી દેવામાં આવે તો મહિલાઓની પોલીસ ખાતામાં ભાગીદારી 33% સુધી પહોંચાડતા લગભગ 50 વર્ષ સુધીનો સમય લાગી જશે. સ્વીડન, ઑસ્ટ્રેલિયા અને નેધરલેન્ડને મોડેલ તરીકે સ્વીકારવામાં આવે તો આ દેશોમાં મહિલાઓના હિતોનું સર્વશ્રેષ્ઠ રક્ષણ થાય છે કારણ કે ત્યાંના સંસદમાં અને પોલીસમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ એકસમાન અને સુવ્યવસ્થિત છે.