પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પિથોરાગઢમાં લગભગ 60,000 લોકોની એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે કહ્યું હતું કે, સરહદી વિસ્તારોનો વિકાસ તેમની સરકારની પ્રાથમિકતા રહી છે. છેલ્લા નવ વર્ષોમાં, અમે સરહદો પર 4,200 કિલોમીટરના રસ્તાઓ બનાવ્યા છે, 250 નવા પુલ અને 22 ટનલ બનાવી છે. ટૂંક સમયમાં જ ટ્રેનો સરહદી વિસ્તારોમાં પહોંચશે, તેમણે કહ્યું.
પહેલાની સરકારનો વિચિત્ર તર્ક હતો કે જો સરહદના ગામોનો વિકાસ કરીશું તો દુશ્મનો આપણા માર્ગોનો ઉપયોગ કરીને ઘૂસશે, પણ હવે નવા ભારતમાં આવો કોઈ ડર રહ્યો નથી : ઉત્તરાખંડમાં વિશાળ સભા સંબોધતા મોદી
પીએમે ઉમેર્યુ તમે વિચારી રહ્યા હશો કે તમે એવું શું ખોટું કર્યું છે કે ગામડાઓ ઉજ્જડ થઈ રહ્યા છે. તમે ખોટું નથી કર્યું પરંતુ અગાઉની સરકારોની ખોટી નીતિઓ અને નિર્ણયોને કારણે પીડાઈ રહ્યા છો. તેમની પાસે એક વિચિત્ર તર્ક હતો કે જો તેઓ સરહદી વિસ્તારોનો વિકાસ કરશે. તો આપણા દુશ્મનો આ માર્ગોનો ઉપયોગ કરીને દેશની અંદર ઘૂસી શકે છે. અગાઉ સરકારો આવા વિસ્તારોને છેલ્લું ગામ કહેતી હતી, અમે તેને પ્રથમ ગામ કહીએ છીએ.
દિલ્હીમાં તાજેતરના જી 20 સમિટનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું, “દુનિયાભરના મુશ્કેલ અને પડકારજનક સમયમાં પણ ભારતનો અવાજ મજબૂત બની રહ્યો છે. તાજેતરમાં, અમે જી20 ની યજમાની કરી અને વિશ્વએ અમારી અને અમારા પ્રયત્નોની પ્રશંસા કરી. દેશની છબી તમારા કારણે શક્ય બની છે, મારા નહીં, આ તમારી તાકાત છે કે જ્યારે હું મોટા નેતાઓ સાથે હાથ મિલાવતો હોઉં છું ત્યારે તેમની આંખમાં જોઉં છું અને જ્યારે તેઓ મારી તરફ જુએ છે ત્યારે તેઓ મારી તરફ નહીં પરંતુ 140 કરોડ ભારતીયો તરફ જોતા હોય છે.
તેમણે ઉમેર્યું હતું કે દેશ વિકાસની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યો છે. વૈશ્વિક મંચ પર ભારતની પ્રશંસા થઈ રહી છે. એક સમય હતો જ્યારે સમગ્ર દેશમાં હતાશાની લાગણી હતી અને અમે મંદિરોની મુલાકાત લેતા અને પ્રાર્થના કરતા કે દેશ જલ્દીથી પરિસ્થિતિમાંથી બહાર આવે. લોકો કરોડોના કૌભાંડોમાંથી મુક્તિ ઇચ્છતા હતા અને અમને સંપૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવ્યા. હવે, વિશ્વ અમારી પ્રશંસા કરી રહ્યું છે, તેમણે કહ્યું.