શાપર ખાતે આયોજિત વાયબ્રન્ટ રાજકોટમાં અંદાજે 100 જેટલા એમઓયું થવાના છે. જેમાં રાજકોટની ભાગોળે આવેલ અટલ સરોવર ખાતે ખાનગી આઇટી પાર્ક બનાવવાની પણ જાહેરાત થવાની છે. જેમાં બે તબક્કામાં રૂ. 550 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવશે.
અટલ સરોવર પાસે બે તબક્કામાં આકાર લેશે પ્રોજેકટ, પ્રથમ તબક્કામાં રૂ. 200 કરોડનું રોકાણ કરી નેશનલ કંપનીઓ લાવવામાં આવશે, ત્યારબાદ બીજા તબક્કામાં રૂ. 350 કરોડનું રોકાણ કરી આંતરરાષ્ટ્રીય કંપનીઓને બોલાવાશે
15મીએ શાપર ખાતે વાયબ્રન્ટ રાજકોટ ઇવેન્ટ,16મીએ સેમિનાર સહિતના કાર્યક્રમો: સ્પીનિંગ મિલ અને સિમેન્ટ ફેકટરીઓ સહિતના 100 જેટલા પ્રોજેકટ માટે એમઓયું થવાનો અંદાજ
રાજકોટના શાપરમાં ઈન્ડસ્ટ્રીયલ એસો.ના હોલમાં તા. 15 અને 16મીએ વાયબ્રન્ટ રાજકોટ ઇવેન્ટ યોજાનાર છે. જેમાં લોનમેળો, એક્સપોર્ટ સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાનાર છે. આ વેળાએ ડિજીએફટી, એન્ટરપ્રિનીયરશિપ ડેવલપમેન્ટ એસોસિએશન, નાબાર્ડ સહિતના એસોસિએશનો પણ ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. વાયબ્રન્ટ રાજકોટ ઇવેન્ટમાં સિંગલ ઈકત પટોળા અને એન્જીનીયરીંગ પ્રોડક્ટને હાઇલાઇટ કરાશે. આ ઇવેન્ટમાં રાજકોટમાં આઇટી પાર્ક સ્થાપવાની જાહેરાત પણ કરવામાં આવશે. જો કે આ ખાનગી આઇટી પાર્ક અટલ સરોવર નજીક બનશે.
બે તબક્કામાં રૂ. 550 કરોડના ખર્ચે અહીં પ્રોજેકટ આકાર લેશે. જેમાં પ્રથમ તબક્કામાં 6000 વાર જગ્યામાં રૂ. 200 કરોડના ખર્ચ કરી સુવિધાઓ વિકસાવવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં 9000 વાર જગ્યામાં રૂ. 350 કરોડના ખર્ચે સુવિધાઓ વિકસાવાશે. વધુમાં પ્રથમ તબક્કામાં અહીં નેશનલ આઇટી કંપનીઓ આવશે. જ્યારે તે તબક્કો પૂર્ણ થયા બાદ અહીં આંતરરાષ્ટ્રીય કંપનીઓને પણ બોલાવવામાં આવશે. અહીં જિમ, ગેમઝોન, કોંફરન્સ હોલ, કેન્ટીન સહિતની સુવિધાઓ હશે. આ ઇવેન્ટમાં મંત્રી રાઘવજીભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્મા, ભાનુબેન બાબરીયા સહિતના ઉપસ્થિત રહેશે. વધુમાં આ ઇવેન્ટમાં સ્પીનિંગ મિલ, સિમેન્ટ ઉદ્યોગ સહિતના અંદાજે 100 પ્રોજેકટ માટે એમઓયું સાઈન થવાના છે.