ઈઝરાયલ અને હમાસ યુદ્ધનો આજે છઠો દિવસ છે. યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે. એવામાં ભારતે રશિયા- યુક્રેન યુદ્ધની જેમ જ ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે ઓપરેશન વિજય જાહેર કર્યું છે. જેના માટે આજે ચાર્ટડ ફ્લાઇટ રવાના થઈ છે.
રશિયા- યુક્રેન યુદ્ધની જેમ જ ચાલુ યુદ્ધે ભારતીયોને સુરક્ષિત રીતે લઈ આવવા સરકાર સજ્જ, આજે એક ચાર્ટડ ફ્લાઇટ રવાના
વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે આ માહિતી આપતાં કહ્યું કે ઈઝરાયલથી પરત આવવા માગતા લોકો માટે અમે વતન વાપસી અભિયાન ચલાવવા જઇ રહ્યા છીએ. તેના માટે અમે ઓપરેશન અજય લોન્ચ કર્યું છે. તેના માટે વિશેષ ચાર્ટર્ડ ફ્લાઈટ અને અન્ય વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા માટે અમે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.
એક આંકડા અનુસાર ઈઝરાયલમાં ભારતીયોની સંખ્યા 18,000 જેટલી છે. તેઓ વર્ક કે સ્ટડી માટે ત્યાં ગયા છે. અહીં રહેતા ભારતીયોનો એક મોટો હિસ્સો દેખરેખ કરનારા તરીકે પણ કામ કરે છે પણ ત્યાં એક હજાર વિદ્યાર્થીઓ, અનેક આઈટી પ્રોફેશનલ અને હીરા વેપારીઓ પણ છે.
ઇઝરાયેલ કટોકટી સંયુક્ત સરકાર બનાવે છે
ઇઝરાયેલે બુધવારે હમાસ સામે લડવા માટે પક્ષ અને વિપક્ષને જોડીને કટોકટી સંયુક્ત સરકારની રચના કરી હતી. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ, ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન અને મધ્યવાદી વિપક્ષી નેતા બેની ગેન્ટ્ઝ સાથેની બેઠકમાં, સંયુક્ત સરકાર બનાવવા માટે સંમત થયા હતા જે ફક્ત યુદ્ધ પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગેન્ટ્ઝની નેશનલ યુનિટી પાર્ટી દ્વારા જારી સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. આ સરકાર એવા સમયે રચાઈ છે જ્યારે હમાસની સૈન્ય પાંખ અલ કાસમ બ્રિગેડે દાવો કર્યો છે કે તેના લડવૈયાઓ હજુ પણ ઈઝરાયેલની અંદર છે અને લડાઈ ચાલુ રાખી રહ્યા છે.
ઈઝરાયેલમાં 1200 અને ગાઝામાં 950 લોકોના મોત
ઇઝરાયેલે ગાઝા પર શાસન કરતા ઇસ્લામિક ઉગ્રવાદી જૂથ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા સામે યુદ્ધ છેડ્યું છે. 7 ઓક્ટોબરના રોજ, હમાસના લડવૈયાઓએ દેશના દક્ષિણમાં પ્રવેશ કર્યો અને ભયાનક હુમલા કર્યા. આ દરમિયાન ઈઝરાયેલ પર 5000 થી વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા. ઈઝરાયેલની સેના અનુસાર ઈઝરાયેલમાં 1200થી વધુ લોકો માર્યા ગયા છે, જેમાં 155 સૈનિકો સામેલ છે. તે જ સમયે, ગાઝાના અધિકારીઓએ દાવો કર્યો છે કે યુદ્ધમાં 260 બાળકો અને 230 મહિલાઓ સહિત 950 લોકો માર્યા ગયા છે.