મોરબીમાં ગત વર્ષે 30 ઓક્ટોબરના રોજ ઝુલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોનો મોત નીપજ્યાં હતા. આ કેસમાં રાજ્ય સરકારે નીમેલી સીટ એટલે કે, એસઆઇટીની ટીમ દ્વારા 5 હજાર પેજનો ફાઇનલ રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. જેમાં ઝૂલતા પુલ તૂટવાની ઘટના માટે આરેવા કંપનીને જવાબદાર ગણવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
135 નિર્દોષ નાગરિકોના મોત અંગે હત્યાની કલમ લગાડવા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે 5 હજાર પેઈઝનો ધગધગતો રિપોર્ટ હાઈકોર્ટને સુપ્રત કર્યો
બ્રિજના સમારકામ બાદ ફિટનેશ રિપોર્ટ વિના જ શરૂ કરાયો: બ્રિજ પર સુરક્ષાના સાધન અને સુરક્ષા કર્મચારીનો અભાવ
રિપોર્ટ મુજબ મોરબીમાં ગયા વર્ષે સર્જાયેલી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં રાજ્ય સરકાર દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી હતી. એસઆઇટી દ્વારા આજે હાઇકોર્ટમાં 5 હજાર પેજનો ફાઇનલ તપાસ રિપોર્ટ રજૂ કરાયો છે. રિપોર્ટ અનુસાર મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા કંપની જવાબદાર છે. બ્રિજનું સંચાલનથી લઇને સમારકામ કરનાર ઓરેવા કંપનીના તમામ લોકો આ માટે જવાબદાર હોવાનું જણાવાયું છે. રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યુ છે કે, ઝુલતો બ્રિજને ફરી શરૂ કરવામાં આવ્યો ત્યારે કોઇપણ પ્રકારનો ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો ન હતો. તેમજ આરેવા કંપની દ્વારા મોરબી નગરપાલિકા સાથે પણ કોઇ વાતચીત કરવામાં આવી ન હતી. ટિકિટના વેચાણ પર નિયંત્રણ રખાયું ન હતું.
બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષાકર્મીઓને અભાવ હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.ઉલ્લેખનીય છે કે, 30 ઓક્ટોબર 2022ના રોજ દિવાળીના વેકેશન દરમિયાન સાંજે મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની દુર્ઘટના સર્જાઈ હતી. મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનાવવામાં આવેલો વર્ષો જૂનો કેબલ બ્રિજ અચાનક તૂટી પડ્યો હતો. જેના કારણે 135 લોકોના મોત થયા હતા. વર્ષો જૂના આ બ્રિજને રિપેરિંગ બાદ તૂટ્યો તેના થોડા દિવસ અગાઉ જ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જે દિવસે પુલ દુર્ઘટના ઘટી તે સમયે પણ બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો હાજર હતા.જો કે, આજે નામદાર હાઇકોર્ટમાં સીટનો રિપોર્ટ રજૂ થયા બાદ હવે વેકેશન બાદ આગળની સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.