આજે માનસિક સ્વાસ્થ્ય દિવસ
1992થી આ દિવસની વૈશ્ર્વિક ઉજવણી થાય છે, આપણાં દેશમાં 6 કરોડ લોકો ડિપ્રેશનથી પિડાઇ છે: કોરોના મહામારીમાં ઘણા લોકો માનસિક રીતે બીમાર થયા હતા: આજના યુગમાં મનની શાંતિ અતિ મહત્વની: મનને સ્વસ્થ રાખવું એટલું જ મહત્વનું છે, જેટલું શ્ર્વાસ લેવાનું
-: આ વર્ષની ઉજવણી થીમ: માનસિક સ્વાસ્થ્યએ સાર્વત્રિક માનવ અધિકાર છે :-
સંશોધન જણાવે છે કે દરેક વ્યક્તિના વિચારો તેના સ્વાસ્થ્યનું રહસ્ય છે: વિચારોના સ્કેલમાં અસ્થિરતા આવે તો જ માનસિક સ્વાસ્થ્ય બગડે છે: આજે પણ વૈશ્ર્વિક સ્તરે 80 ટકા દર્દીઓ સારવાર મેળવી શકતા નથી: વિશ્ર્વમાં 20 ટકા યુવાનો માનસિક વિકારથી પીડિત છે: કુલ વસ્તીના 7.5 ટકા માનસિક બીમાર હોય છે
આપણું મન, આપણો અધિકાર, આજે વિશ્ર્વભરમાં માનસિક સ્વાસ્થ્ય દિવસ ઉજવાય રહ્યો છે ત્યારે વર્ષભેરની ઉજવણી થીમમાં પણ માનસિક સ્વાસ્થ્યએ સાર્વત્રિક માનવ અધિકારની વાત કરે છે. ઉજવણીનો હેતું બધાને એક કરવાની અને જ્ઞાનમાં સુધારો, જાગૃતતા વધારવા સાથે બધાના આ હક્કના રક્ષણ કરવાની વાત કરી છે. વિશ્ર્વભરમાં આજે માનસિક બીમારીથી પીડાતા લોકોની સંખ્યા 97 કરોડ છે. હાલના યુગમાં તો આ સમસ્યા યુવા વર્ગમાં પણ 20 ટકાથી વધુ જોવા મળી રહી છે, જે ચિંતાનો વિષય છે. સંશોધન જણાવે છે કે દરેક વ્યક્તિના વિચારો જ તેના સ્વાસ્થ્યનું રહસ્ય છે.
આજની દોડધામવાળી લાઇફ સ્ટાઇલ તણાવની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે વસ્તીની કુલ સંખ્યામાં 7.5 ટકા માનસિક બીમાર જોવા મળે છે. માનસિક સ્વાસ્થ્યએ તમામ લોકોનો મૂળભૂત અધિકાર છે. દરેક વ્યક્તિને ગમે તે હોય, ગમે ત્યાં હોય, ઉચ્ચત્તમ માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત થવું તેનો અધિકાર છે. આજનો યુવા વર્ગ તો માનવા તૈયાર નથી કે તે માનસિક બીમાર છે. સારૂ માનસિક સ્વાસ્થ્ય આપણાં એકંદર આરોગ્ય અને સુખાકારી માટે મહત્વનું છે, છતાં પવર્તમાન સમયમાં વિશ્ર્વમાં દર આઠ પૈકી એક જ વ્યક્તિ માનસિક સ્વસ્થતા સાથે જીવે છે.
વિશ્ર્વભરમાં આજે વિવિધ કાર્યક્રમો યોજીને લોકોને જાગૃત કરાય રહ્યા છે ત્યારે વૈશ્ર્વિક સ્તરે સોશિયલ મીડિયા મારફત પણ વિશેષ ઝુંબેશમાં લાખો લોકો જોડાયા છે. વ્યક્તિનું માનસિક સ્વાસ્થ્ય તંદુરસ્ત સમાજ અને રાષ્ટ્રને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સારૂ અને સંતુલિત જીવન જીવવા તે ખૂબ જ જરૂરી છે. કોવિડ રોગચાળો અને યુધ્ધો જેવી તાજેતરની અભૂતપૂર્વ વૈશ્ર્વિક ઘટનાઓએ માનસિક સ્વાસ્થ્ય માટે વૈશ્ર્વિક કટોકટી લાવી છે અને તેની વિશ્ર્વભરના લાખો લોકો ઉપર અસર પડી છે. આ સમસ્યા સામે લડવામાં એકબીજાને ટેકો આપવો જરૂરી છે. અસરગ્રસ્તો સાથે, સમુદાયો સાથે વિચારો શેર કરીને તેની વેદના સમજીને અવાજ ઉઠાવવો જ પડશે.
વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ આ દિશામાં વૈશ્ર્વિકસ્તરે શ્રેષ્ઠ કાર્ય કરી રહી છે. આ સંસ્થાના વિશ્ર્વના 150થી વધુ દેશો સભ્યો છે. સમગ્ર વિશ્ર્વમાં માનસિક સ્વાસ્થ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો કરવાની જરૂર છે. મફ્ત માનસિક સ્વાસ્થ્ય તપાસ અને સારવારનો લાભ લેવા અન્યોને પ્રોત્સાહિત કરવાએ સૌથી શ્રેષ્ઠ સેવા ગણી શકાય.
માનસિક બીમારીના ચેતવણી ચિન્હોની જનજાગૃતિ જરૂરી છે, કેટલાક અગ્રણી સંકેતોમાં ઊંઘ અને ખાવાની રીતમાં ફેરફાર, સતત ઉદાસી, અસામાજીક વર્તન અને મુડમાં ફેરફારનો સમાવેશ થાય છે. આપણે અન્ય પ્રત્યે દયાળુ બનવું પડશે. તમારા પરિવાર અને તમારી માનસિક સુખાકારીને સુધારવા માટે યોગ્ય સ્વસ્થ જીવનશૈલી જાણો અને અમલમાં મુકો. એક સમય એવો હતો જ્યારે લોકો તેની માનસિક સમસ્યા વિશે અન્ય લોકો સાથે વાત કરતાં અચકાતા હતા, જેથી તેમને માનસિક રોગી ન ગણતા હતા, પણ વર્તમાન સમયમાં ખાસ કોરોના કાળ પછી માનસિક સ્વાસ્થ્ય જાળવવાની જરૂરિયાત વિશે વૈશ્ર્વિકસ્તરે લોકોમાં જાગૃતિ વધવા લાગી છે. આજે 31 ટકા લોકોને ચિંતાની વિકૃતિયો છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં તમામ ઉંમરના લોકોમાં માનસિક વિકૃતિઓ કે રોગો જેવી માનસિક સમસ્યાઓ વધવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યા છે. આજે તેની વધતી સંખ્યાઓના આંકડા ચિંતાનો વિષય બન્યો છે. વૈશ્ર્વિક સ્તરે આંકડા જોઇએ તો વસ્તીના લગભગ 16 ટકા લોકો 10 થી 19 વર્ષની વયના છે. વિશ્ર્વમાં દર 4 માંથી 1 વ્યક્તિ તેમના જીવનમાં કોઇને કોઇ તબક્કે માનસિક વિકૃતિ કે ન્યુરોલોજીકલ વિકૃતિઓનો સામનો કરે છે. આપણા દેશમાં રાષ્ટ્રિય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ (ગખઇંઙ) 1982થી ચાલી રહ્યો છે. 2014થી આપણે પણ આ સમસ્યા સામે લોકજાગૃતિની ઉજવણીમાં સામેલ થયા હતા.
આપણા દેશમાં 2017માં માનસિક સ્વાસ્થ્ય સેવાઓને મજબૂત કરવા મેન્ટલ હેલ્થકેર એક્ટ પણ લાગુ કરવામાં આવ્યો હતો. કોવિડ સમયગાળામાં દેશની 13 ભાષામાં મેન્ટલ હેલ્થ રિહેબિલિટેશન હેલ્પલાઇન ‘કિરણ’ શરૂ કરવામાં આવી હતી. જેનો ઉદેશ તણાવ, ચિંતા, ડિપ્રેશન, ગભરાટના હુમલા, સંકલનથી પીડિત લોકોને મદદ કરવાનો હતો. પ્રવૃત્તિમાં રસ અને આનંદ ગુમાવવો અને ખાલીપણાની લાગણી કે થાક-ઉર્જા ગુમાવવી પણ તેના પ્રારંભિક ચિન્હો છે.
માનસિક સ્વાસ્થ્ય શા માટે મહત્વનું?
આપણી ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને સામાજીક સુખાકારીએ આપણા માનસિક સ્વાસ્થ્યના તમામ ભાગો છે. આપણા જીવન વ્યવહારમાં વર્તન સાથે આવતો તણાવ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપીએ છીએ. તે જરૂરી છે. આજે તમારા મિત્ર વર્તુળ કે પરિવારમાં આ મહત્વની બાબતે ચર્ચા કરીને ઉજવણી કરજો. માનસિક અસ્વસ્થ માણસ આપઘાત પણ કરી શકે છે. શાળા કોલેજના શિક્ષકોએ પણ આ બાબતે સંપૂર્ણ જાણકારી મેળવીને છાત્રોને જો આ સમસ્યા હોય તો તેમાં એક કાઉન્સીલર તરીકે મદદ કરવી જોઇએ. આજે વિશ્ર્વમાં દર 8 વ્યક્તિમાંથી એક વ્યક્તિ આનો શિકાર છે ત્યારે દેશો પોતાના સ્વાસ્થ્ય બજેટમાં માત્ર 2 ટકા ખર્ચ માનસિક સ્વાસ્થ્ય પાછળ ખર્ચ કરે છે. માનસિક વિકૃતિ સાથે જીવતા 97 કરોડ દર્દીઓમાં સ્ત્રીઓની સંખ્યા 52.4 છે.