મહેસુલ વિભાગ દ્વારા ગ્રામ્ય પ્રાંત અને ડીએસઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ સાથે તાલુકા મામલતદારને ડે. કલેકટર તરીકે બદલી સાથે બઢતી આપવામાં આવી છે. બીજી તરફ આ ફેરફારથી રાજકોટ જિલ્લામાં ખાલી જગ્યાનું પ્રમાણ વધ્યું છે.

રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 69 ડે. કલેકટરોની બદલીના ઓર્ડર કાઢવામાં આવ્યા છે. આ સાથે 69 મામલતદારોના બઢતી સાથે બદલીમાં ઓર્ડર કરવામાં આવ્યા છે. ડે. કલેકટરોની બદલીમાં રાજકોટ ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંકની વડોદરામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ રાજકોટ જિલ્લા પુરવઠા અધિકારી અવની હરણની જામનગર જિલ્લા પુરવઠા અધિકારી તરીકે બદલી કરવામાં આવી છે. સામે ગીર સોમનાથ જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારાને ગોંડલ પ્રાંત તરીકે મુકવામાં આવ્યા છે.

જિલ્લામાં અધધધ 5 ડે. કલેકટર, 14 મામલતદારો અને 100 જેટલા ક્લાર્કની જગ્યા ખાલી, કલેકટર તંત્ર ઉપર ઓછા મહેકમને પગલે સતત વધી રહેલું કામનું ભારણ

વધુમાં મહેસુલ વિભાગ દ્વારા રાજકોટ તાલુકા મામલતદાર કે.કે. કરમટાને ડે. કલેકટરની બઢતી સાથે ખંભાળિયા પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. આવી જ રીતે જસદણ મામલતદાર એસ.જે. અશ્વરને લાલપુર પ્રાંત ઓફિસર તરીકે મુકવામાં આવ્યા છે.  મહેસુલ વિભાગના આ ફેરફારને કારણે ખાલી જગ્યાઓનું પ્રમાણ વધ્યું છે. હાલ જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટી ગ્રામ્ય, ડીએસઓ, રાજકોટ ગ્રામ્ય, સિંચાઈ સંપાદન અને આરસીએમ એમ પાંચ ડે. કલેકટરની જગ્યા ખાલી થઈ છે. આ સાથે વીંછીયા, જસદણ, રાજકોટ તાલુકા, પશ્ચિમ, લોધિકા, ગોંડલ સિટી, જેતપુર સિટી, ધોરાજી સિટી, બિનખેતી- શરતભંગ , અધિક ચિટનીશ , ચિટનીશ, પીઆરઓ, પ્રોટોકોલ અને આરટીએસ એમ 14 મામલતદારોની જગ્યા ખાલી છે. ઉપરાંત 100 જેટલા ક્લાર્કની જગ્યા પણ ખાલી હોવાનું જાણવા મળી રહ્યું છે.

હવે ગમે ત્યારે અધિક કલેકટરો અને મામલતદારોની બદલીના ઓર્ડર

મહેસુલ વિભાગ દ્વારા હવે એકાદ બે દિવસની અંદર અધિક કલેકટરોની બદલીના ઓર્ડર થશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત 200 જેટલા મામલતદારોની પણ બદલી થવાની છે. મહત્વની વાત એ છે કે રાજકોટના જે બે ડેપ્યુટી કલેકટરની બદલી કરવામાં આવી છે. તે બન્ને ઉપર એઆરઓની જવાબદારી હોય, તે બન્ને જગ્યા પણ થોડા જ દિવસોમાં ભરવામાં આવશે.

13 ડે. ડીડીઓ અને 53 ટીડીઓને બદલી સાથે બઢતી

પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા 13 ડે. ડીડીઓ અને 53 ટીડીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. રાજકોટના ડે. ડીડીઓ બ્રિજેશ કાલરીયાની વઢવાણ બદલી થઈ છે. તેમની જગ્યાએ મોરબીથી ઇલાબેન ગોહિલને મુકવામાં આવ્યા છે. ઉપરાંત રાજકોટ ટીડીઓ નાગાજણ તરખાલાને ડે. ડિડીઓના પ્રમોશન સાથે દેવભૂમિ દ્વારકા મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.