સુરત સમાચાર
સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલ દરવાજા ખાતે એક મહિલા ગણપતિ તેમજ દશામાની મૂર્તિ બનાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મહિલાએ સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલાનું કહેવું એવું છે કે સુરતના અમરોલી વિસ્તારમાં શિવકુમાર પારકર નામના વ્યક્તિનો સંપર્ક મહિલા સાથે થયો હતો. શિવકુમારે ત્રણથી ચાર જેટલા ગ્રાહકો મહિલા પાસે મૂર્તિ લેવા માટે મોકલ્યા હતા અને ત્યારબાદ શિવકુમાર અને મહિલા વચ્ચે મિત્રતા થઈ હતી. મહિલા અને શિવકુમાર વચ્ચે સંબંધો પણ ઘાટા થયા હતા.
વર્ષ 2015માં મહિલા પાસે મંછરપુરામાં આવેલું મકાન હતું તેને વેચવાથી જે પૈસા મહિલા પાસે આવ્યા હતા તે પૈસા મહિલાએ શિવકુમાર પારકરને આપ્યા હતા. 2 લાખ રૂપિયા જેટલી રકમની લેતી દેતી મહિલા અને શિવકુમાર વચ્ચે થઈ હતી અને શિવકુમાર દ્વારા અમુક સમયમાં આ રૂપિયા પરત આપવાનું વાયદો કરવામાં આવ્યો હતો. જોકે 5થી 6 મહિનામાં પૈસા પરત આપી દેશે તેવો વાયદો હોવા છતાં શિવકુમાર મહિલાને પૈસા આપતો ન હતો અને તેથી મહિલા અવારનવાર પૈસાની ઉઘરાણી કરતી હતી. થોડા દિવસો બાદ મહિલાના ફોનથી કંટાળીને શિવકુમારે મહિલા તેમજ મહિલાના પતિના ફોન પણ ઉપાડવાનું બંધ કરી દીધું હતું.
ત્યારબાદ આ મહિલા શિવકુમારના ઘરે જ્યારે પૈસા લેવા ગઈ હતી ત્યારે દારૂના નશામાં શિવકુમારે મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મહિલા અને ચપ્પુ બતાવીને ધમકાવી હતી. જે તે સમયે મહિલા દ્વારા કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી ન હતી અને આ ઘટનાના ત્રણથી ચાર વર્ષ બાદ ફરીથી મહિલા જ્યારે પૈસા માગવા માટે શિવકુમારના ઘરે ગઈ હતી ત્યારે શિવકુમાર નો પુત્ર વેદાંત ઘરે હતો અને તેને પણ પૈસા માગવા આવેલી મહિલા પર નજર ખરાબ કરી દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ મહિલાએ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં કર્યો છે. ફરિયાદને લઈને પોલીસ દ્વારા શિવકુમાર પારકરની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત તેના પુત્ર સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.