સાવચેતીના ભાગરૂપે રવિવાર સુધી એર ઇન્ડિયાની ઇઝરાયલ જતી ફ્લાઇટ્સ રદ
નેશનલ ન્યુઝ
ઈઝરાયેલમાં 18,000 ભારતીયો રહે છે જેમાં મુખ્યત્વે હીરાના વેપારીઓ, આઇટી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ઇઝરાયેલમાં ભારતીય મૂળના લગભગ 85,000 યહૂદીઓ પણ છે જેઓ પચાસ અને સાઠના દાયકામાં ભારતમાંથી ઇઝરાયેલ સ્થળાંતરિત થયા હતા. દુતાવાસે આ તમામ માટે અંગ્રેજી, હિન્દી, મરાઠી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં એડવાઇઝરી પણ જારી કરી છે. હાલ ભારતીયો સુરક્ષિત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હમાસ આતંકવાદીઓના હુમલાના પગલે ઇઝરાયેલ સાથે એકતા વ્યક્ત કરી હતી. મોદીએ ઈઝરાયેલ પર હમાસના હુમલાની નિંદા કરતા તેને ‘આતંકવાદી હુમલો’ ગણાવ્યો હતો.
સાવચેતીના ભાગરૂપે રવિવાર સુધી એર ઇન્ડિયાની ઇઝરાયલ જતી ફ્લાઇટ્સ રદ
એર ઈન્ડિયાએ રવિવાર સુધી ઈઝરાયેલની તેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એરલાઈન્સ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેલ અવીવ જતી અને આવતી તમામ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે મુસાફરો અને ક્રૂની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં માહિતી આપતા એર ઈન્ડિયા એરલાઈનના પ્રવક્તાએ કહ્યું છે કે આ સમયગાળા દરમિયાન તેઓ કોઈપણ ફ્લાઇટમાં કન્ફર્મ રિઝર્વેશન ધરાવતા લોકોને મદદ કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. નોંધનીય છે કે એર ઈન્ડિયાની પાંચ ફ્લાઈટ્સ રાજધાની દિલ્હીથી તેલ અવીવ માટે અઠવાડિયામાં પાંચ દિવસ ચલાવવામાં આવે છે.
વિશ્વમાં આતંકીઓનો ખાત્મો બોલાવવા ભારતની ભુમિકા મહત્વની, માટે અમારે સમર્થનની જરૂર : ઇઝરાયલ રાજદૂત
ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નાઓર ગિલોને જણાવ્યું હતું કે ઇઝરાયેલ માટે ભારતનું સમર્થન બે કારણોસર મહત્વપૂર્ણ છે અને તેમાંથી પહેલું કારણ વિશ્વમાં ભારતનું મહત્વ છે. બીજુ કારણ આતંકવાદ સામે ભારતની લાંબી લડાઈ છે. નાઓરે કહ્યું કે ભારત એક એવો દેશ છે જે આતંકવાદના પડકારને જાણે છે. નાઓરે કહ્યું કે ઈઝરાયેલને માત્ર નૈતિક અને રાજકીય સમર્થનની જરૂર છે. હમાસ ફરી ક્યારેય કોઈ ઉપર હુમલો કરશે નહીં તેની ખાતરી કરવા માટે અમને યોજનાને અમલમાં મૂકવાની ક્ષમતાની જરૂર છે. હમાસ દ્વારા ઇઝરાયેલ પર હુમલો કર્યાના એક દિવસ બાદ રવિવારે, નાઓર ગિલોને જણાવ્યું હતું કે ભારત વિશ્વમાં અત્યંત મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલને ભારતના સમર્થન ખૂબ જરૂર છે.