ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ સ્થાપી દર્દી નારાયણ માટે સેવાયજ્ઞ ચલાવતા સ્વામી નિર્દોષાનંદજી સરસ્વતી મહારાજ બ્રહ્મલીન થતા ભાવિકો શોકમગ્ન બન્યા છે. બુધવારે સાંજના ૩:૪૫ કલાક આસપાસ સ્વામીને છાતીને દુ:ખાવો ઉપડયો હતો. વધુ સારવાર વિના તેઓએ નશ્ર્વર દેહનો ત્યાગ કર્યો હતો. ભાવિકોને તેમના પાર્થિવ દેહના આજે તા.૨૩મીના બપોરના ૧૨:૦૦ કલાક સુધી દર્શનાર્થે રખાયો હતો. ત્યારબાદ સ્વામીના પાર્થિવ દેહને ઋષીકેશ લઈ જવામાં આવયો હતો. અહીં તીર્થ ક્ષેત્ર ગંગાજીમાં જળસમાધિ આપવામાં આવી હતી. સ્વામીએ ઉમરાળા તાલુકાના ટીંબી ગામે સંપુર્ણપણે નિ:શુલ્ક અદ્યતન સુવિધાસભર હોસ્પિટલ ઉભી કરી માનવ સેવાને સાચા અર્થમાં ચરિતાર્થ કરી હતી અને પાંચ વર્ષમાં પાંચ લાખ બાણુ હજારથી વધારે દર્દીઓની સારવાર તેમજ ૧૩,૩૦૦ થી વધારે દર્દીઓના સફળ ઓપરેશનો હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. સ્વામીજીએ કહ્યું હતું કે, લાંબો હાથ કર્યા વગર જે પણ સહયોગ પ્રાપ્ત થાય એનાથી હોસ્પિટલ ચલાવવી અને એક પણ દર્દી પાસેથી પૈસો લેવો નહીં.