યુવાનો સોશિયલ મીડિયામાં રીલ બનાવવાના ચક્કરમાં નિયમોના અને કાયદાના લીરેલીરા ઉડાડતા હોઈ છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે.જેમાં ગઈકાલે એક શખ્સ એકટીવા સ્પીડમાં ચલાવી ચાલુ વાહને યુવતીઓ અને મહિલાઓની છેડતી કરતો અને ‘આઈ લવ યુ, આઈ લવ યુ’ બોલતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ કરી આ વિડીયો પેડક રોડ વિસ્તારમાં બનાવ્યો હોવાનું સામે આવતા બી ડિવિઝન પોલીસ દ્વારા લુખ્ખાની ધરપકડ કરી તેનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું હતું.
એક્ટિવા સ્પીડમાં ચલાવી છેડતી કરતા હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો ’તો
વિગતો મુજબ ગઈકાલે સાંજના સમયે શહેરમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં કેવલ રાઠોડ નામનો એક શખ્સ કાળા કલરની નંબર પ્લેટ વગરના એક્ટિવા પર જતો હતો અને રસ્તામાં સાયકલ લઈને જતી વિદ્યાર્થીની તેમજ ચાલીને જતી મહિલાને ‘આઈ લવ યુ – આઇ લવ યુ’ કહી છેડતી કરતો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો અને તેની સામે ત્વરિત કડક પગલાં લઇ કાર્યવાહી કરવા માંગ ઉઠી હતી, જે બાદ પોલીસે વાઈરલ વીડિયો અંગે તપાસ શરૂ કરી હતી અને ગણતરીની કલાકોમાં છેડતી કરતા શખ્સને ઝડપી પાડી તેને કાયદાનું ભાન કરાવી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વાઇરલ વીડિયોમાં દેખાતો શખ્સ વાલ્મિકી આવાસ ક્વાર્ટસમાં રહેતો કેવલ રાઠોડ (ઉ.વ.20) હોવાની માહિતી મળતા તુરંત બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા તપાસ હાથ ધરી ઝડપી પાડ્યો હતો. જે બાદ તેની અટકાયત કરી તેને કાયદાનું ભાન કરાવી તેનું જાહેરમાં સરઘસ કાઢી લોકો પાસે માફી મંગાવી હતી.