લોકસભાની છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસનો ગુજરાતમાં સફાયો થઇ રહ્યો છે. તમામ 26 બેઠકો પર કારમો પરાજય મળી રહ્યો છે. લોકસભાની આગામી ચૂંટણીના આડે હવે માત્ર સાત મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીનો આરંભ કરી દેવામાં આવ્યો છે. તમામ બેઠકો માટે સિનિયર નેતાઓની જવાબદારી ફિક્સ કરવામાં આવી છે. રાજકોટ લોકસભા બેઠકના ઇન્ચાર્જ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાના અધ્યક્ષસ્થાને આજે સવારે નાગર બોર્ડિંગ ખાતે બેઠક મળી હતી. જેમાં વર્ષ-2009ની માફક રાજકોટમાં પરિવર્તનનો પવન ફૂંકવા અને કોંગ્રેસના ઉમેદવારને વિજેતા બનાવવા નેતાઓએ એક સૂરમાં લાગણી વ્યક્ત કરી હતી.
લોકસભા બેઠકના ઇન્ચાર્જ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયાની ઉ5સ્થિતિમાં મળી બેઠક: સૌરાષ્ટ્ર ઝોનના નવનિયુક્ત પ્રભારી બી.સંદીપ ઉપરાંત ભીખુભાઇ વારોતરીયા, દિપેન્દ્રસિંહ જાડેજા અને મનુભાઇ પટેલ પણ રહ્યા હાજર
આજે રાજકોટ ખાતે અર્જુનભાઇ મોઢવાડીયાની આગેવાનીમાં મળેલી બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોનના કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી બી.સંદીપ, રાજકોટ શહેર અને જિલ્લાના પ્રભારી તથા પ્રદેશ ઉપપ્રમુખ ભીખુભાઇ વારોતરીયા, શહેર પ્રભારી દિપેન્દ્રસિંહ જાડેજા અને જિલ્લા પ્રભારી મનુભાઇ પટેલ પણ હાજર રહ્યા હતા. જેમ 2009માં કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક ભાજપ પાસેથી આંચકી લીધી હતી. તે રીતે જ 2024માં પણ આ ઘટનાનું પુનરાવર્તન થાય તેવા પ્રયાસો કોંગ્રેસના સ્થાનિક નેતાઓને હાંકલ કરવામાં આવી હતી. પાર્ટીમાં નિષ્ક્રિય હોય છતાં કોઇ હોદ્ા પર હોય તેઓના સ્થાને સક્રિય કાર્યકર્તાને સ્થાન આપવા પણ જણાવવામાં આવ્યું હતું. સંગઠન માળખું નવરાત્રિ પહેલા જાહેર કરી દેવામાં આવશે. તેવી પણ ખાતરી આપવામાં આવી હતી.