હાર્ટ એટેકના વધતા બનાવો વચ્ચે નવરાત્રીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા કલેકટરે એક્શન પ્લાન ઘડ્યો છે. જેને લઈને તેઓએ ગરબા આયોજકો સાથે બેઠક યોજી જરૂરી સૂચનો આપ્યા હતા. આ વેળાએ સાંસદ રામભાઈ મોકરિયાની પણ ઉપસ્થિતિ રહી હતી.

એમ્બ્યુલન્સમાં શોક આપવા માટેનું મશીન પણ સજ્જ રખાશે : આયોજકે કમિટીના 5 સભ્યોને સીપીઆરની તાલીમ આપવાની રહેશે

જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે રાજકોટ જિલ્લામાં 42 જેટલી 108 એમ્બ્યુલન્સ ઉપલબ્ધ છે. 108 એમ્બ્યુલન્સ મુખ્ય ગરબાના આયોજનની આસપાસના પોઈન્ટ પર સ્ટેન્ડ બાય રહેશે. જેથી જરૂર પડ્યે એમ્બ્યુલન્સ જલ્દીથી પહોંચી શકે. વ્યક્તિને શોક આપવા માટેનું મશીન 108 માં ઉપલબ્ધ રાખવામાં આવશે. આ ઉપરાંત ગરબા આયોજકોને કલેકટરે સૂચન આપ્યા હતા કે સીપીઆર કઈ રીતે કરી શકાય? તેનો વીડિયો ગ્રાઉન્ડની સ્ક્રીનમાં દેખાડવો જોઈએ. હેલ્થ વોરીયર્સ તરીકે કમિટીના 5 સભ્યોને સીપીઆર તાલીમ અપાવવી જોઈએ.ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાના બનાવો વધ્યા છે. ગરબા રમતા રમતા પણ યુવાનોને હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટમાં આવી કોઈ ઘટના ન બને ખેલૈયાઓ સુરક્ષિત રહે તે માટે જિલ્લા કલેકટર અને ગરબા આયોજકોએ કમર કસી છે.

ગરબાના આયોજકોને કલેક્ટર દ્વારા સૂચનો

  • સીપીઆર કઈ રીતે કરી શકાય ? તેનો વીડિયો ગ્રાઉન્ડમાં સ્ક્રીનમાં પ્લે કરવો
  • 5 વ્યક્તિઓને હેલ્થ વોરિયર્સ બનાવી સીપીઆર તાલીમ મેળવી
  • આયોજનમાં ઇમરજન્સી ગેઇટ રાખવો જેથી એમ્બ્યુલન્સ ઝડપથી અંદર આવી શકે
  • ગ્રાઉન્ડમાં યુવાનો વ્યસન ન કરે તેની તકેદારી આયોજકોએ જ રાખવી
  • નજીકની હોસ્પિટલના તમામ કોન્ટેક્ટ નંબર રાખવા
  • ફર્સ્ટ એડ કીટ આયોજન સ્થળે રાખવી

ગરબાના આયોજનોમાં ભાજપના ડોક્ટર સેલની ટીમ સેવા આપશે : રામભાઈ મોકરિયા

સાંસદ રામભાઈ મોકરિયાએ જિલ્લા કલેકટર અને ગરબા સંચાલકોની બેઠકમાં જણાવ્યું હતું કે ખેલૈયાઓએ ગરબા રમતી વેળાએ પુરી તકેદારી રાખવી પડશે. ઉપરાંત આયોજકોએ પણ આરોગ્ય સેવા માટે વ્યવસ્થા ગોઠવવી પડશે. આ સાથે તેઓએ કહ્યું કે ગરબાના આયોજનોમાં ભાજપના ડોક્ટર સેલની ટીમ સેવા આપશે. જ્યાં જરૂર પડે ત્યાં તેઓ લોકોનું તુરંત નિદાન અને સારવાર કરશે.

આઈએમએ પ્રેસિડેન્ટ પારસ શાહે ખેલૈયાઓ જોગ આપ્યા મહત્વના સુચનો

ગરબા રમતા રમતા જો કોઈ ખેલૈયાઓને શ્વાસ ચડે, ચકર આવે, ખૂબ થાક લાગે, આંખે અંધારા આવે તો તાત્કાલિક બેસી જવુ. ગ્રાઉન્ડ પર ઉપસ્થિત લોકો તેને સારવાર આપવી જોઈએ. ગ્રાઉન્ડની કેપેસિટી કરતા વધારે ખેલૈયાઓ ન થાય તેની આયોજકોએ તકેદારી રાખવી જોઈએ. જેથી ભીડ ઉપરાંત અવ્યવસ્થા ન સર્જાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.