વાયબ્રન્ટ રાજકોટ ઇવેન્ટની તૈયારીઓનો હાલ ધમધમાટ ચાલી રહ્યો છે. બેથી 3 દિવસની આ ઇવેન્ટ શાપરમાં યોજાનાર છે. જેમાં અંદાજે 500 જેટલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેવાના છે. એન્જીનીયરીંગ અને સિંગલ ઇકત પટોળા આ બે મુખ્ય પ્રોડક્ટ ઉપર આ ઇવેન્ટ યોજાનાર છે. આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત સાંજે થવાની છે.
ગુજરાત રાજ્યમાં વેપાર-ધંધા-ઉદ્યોગોના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા યોજાતી વાઇબ્રન્ટ સમિટ-2024 આગામી 10 થી 12 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગર ખાતે યોજાશે, જેમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો અને વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ કરી શકે તેવા ઉદ્દેશ્યથી રાજકોટ જિલ્લા કક્ષાએ આગામી ટુંક સમયમાં વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ રાજકોટનો કાર્યક્રમ યોજાશે.
શાપરમાં 2થી 3 દિવસનો કાર્યક્રમ યોજાશે, અંદાજે 500 જેટલા ઉદ્યોગપતિઓ રહેશે ઉપસ્થિત એન્જિનિયરીંગ અને સિંગલ ઇકત પટોળા આ બે મુખ્ય પ્રોડક્ટ ઉપર યોજાશે ઇવેન્ટ
વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ રાજકોટ ઈવેન્ટમાં સ્થાનિક ઉત્પાદનોના પ્રચાર-પ્રસાર માટે 2-3 દિવસના એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવશે. જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ, સ્ટાર્ટ અપ્સ, સ્થાનિક સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો વગેરેનો સમાવેશ કરવામાં આવશે. આ ઉપરાંત, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ, ફાર્મર્સ પ્રોડ્યુસર્સ ઓર્ગેનાઇઝેશન્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો, ખાદી અને ગ્રામોદ્યોગ, કુટિર ઉદ્યોગો વગેરેને પણ આ કાર્યક્રમોમાં સાંકળવામાં આવશે. આ એક્ઝિબિશનમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ પસંદગી કરાયેલી પ્રોડક્ટ્સને અગ્રતા આપવામાં આવશે.
આ કાર્યક્રમો માટે કેપેસિટી બિલ્ડીંગ, ઉદ્યોગ સાહસિકતા, એક્સપોર્ટ પ્રમોશન, માર્કેટ લિંકેજ માટે સેમિનાર/વર્કશોપનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત, ક્રેડિટ લિંકેજ પ્રોગ્રામ હેઠળ લોન મેળાઓનું પણ આયોજન કરવામાં આવશે. લોન મેળાઓના આયોજન માટે જિલ્લા લીડ બેંક મેનેજર દ્વારા સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા સાથે સંકલન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના કાર્યક્રમ માટે હાલ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. હાલ શાપર ખાતે સ્થળ પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. તમામ વ્યવસ્થા સાથેનું સારું સ્થળ મળશે તો અંદાજે 500 ઉદ્યોગપતિઓને આ કાર્યક્રમમાં જોડવામાં આવશે. જો સ્થળ નાનું મળશે તો ઉદ્યોગપતિઓની સંખ્યા 300 સુધી મર્યાદિત રાખવામાં આવશે. બીજી તરફ આજે બપોર બાદ આ મામલે અધિકારીઓની બેઠક પણ મળવાની છે. જેમાં તમામ આયોજનને આખરી ઓપ આપી આ કાર્યક્રમની સાંજે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.