વેરાવળની એક્સિસ બેન્કમાં ગોલ્ડ લોન માટેના ગીરવે રાખેલા પાઉચમાંથી અસલી સોનું કાઢી પીળી ધાતુ મૂકી ગ્રાહકોને લોન આપવાનું કૌભાંડ પકડાયું છે. જે અંગે ત્રણ કર્મચારી સામે ગુનો નોંધાયો છે.વેરાવળની એક્સિસ બેન્કમાં રાજકોટથી રીજ્યોનલ ગોલ્ડ લોન ઓપરેશન મેનેજર ગૌતમ આશરા સરપ્રાઇઝ ચેકીંગમાં આવ્યા હતા. તેમણે બ્રાન્ચમાં ગોલ્ડ લોનની તીજોરીમાં રાખેલા ગોલ્ડનાં પાઉચ ચેક કરતાં સરખામણી વખતે ઘણા પાઉચના નંબર અલગ જણાયા હતા. સાથે પાઉચ ઉપર દર્શાવેલા વજન કરતાં તેમાં ઓછું વજન હોવાનું માલુમ પડ્યું હતું. આથી ગોલ્ડ લોનના બ્રાન્ચના મેનેજર અને કર્મચારીઓની પ્રાથમિક પુછપરછ અને ઉપરી અધિકારીઓને જાણ કરી હતી. બીજા દિવસે ગૌતમભાઇ અને વેરાવળ બ્રાન્ચના મેનેજર રામભાઇ સરમણભાઇ સોલંકીએ 426 પાઉચના વજન કરી ચેક કરાતાં ઘણા પાઉચમાં લખેલા કરતાં ઓછું વજન જણાયું હતું.
અસલી સોનું બઢાવી નકલી સોનુ બેન્કમાં ધાબડી દીધું: ડુપ્લીકેટ સોના પર બે-બે વખત ડમી ગ્રાહક ઉભા કરી બોગસ ધિરાણ કર્યુ
49 પાઉચની તપાસમાં છ પાઉચમાં સોનાના બદલે નકલી ધરેણા મળ્યા: 10 પાઉચ હજી શંકાસ્પદ, કૌભાંડનો આંકડો વધવાની શકયતા
વેલ્યુઅરને સાથે રાખી પાઉચ ચેક કરતાં 49 પાઉચની તપાસ વખતે 6 પાઉચમાં સોનાને બદલે પીળી ધાતુના ખોટા દાગીના રાખ્યાનું માલુમ પડ્યું હતું. આ 6 પાઉચના ખોટા દાગીનાનું વજન 2 કિલો 746 ગ્રામ અને કિંમત આશરે રૂ. 2 કરોડ થવા જાય છે. આ 49 પૈકીનાં 10 પાઉચ હજુ પણ શંકાસ્પદ હોવાનું જણાયું છે. આ મામલે સેલ્સ મેનેજર માનસીંગ ગઢિયા, વિપુલ રાઠોડ અને પીન્કીબેન ખેમચંદાણીની પુછપરછ કરી તેમની સામે ફરિયાદ નોંધાઈ છે.
મામલો કરોડોની છેતરપિંડીનો હોવાની શક્યતા આ રીતે કરી છેતરપિંડી
ફરીયાદમાં જણાવ્યું છેકે, આ કર્મચારીઓએ જે ગ્રાહકોએ સાચું સોનું જમા કરાવ્યું હતું એ સોના ઉપર પોતાના ઉભા કરેલા ગ્રાહકોને ગોલ્ડ લોન આપીને બેન્ક સાથે છેતરપીંડી આચરી હતી.હજુ પણ 375 પાઉચની તપાસ બાકી છે અત્યારે ફક્ત 49 પાઉચની તપાસ થઇ છે. અનેબાકીના 375 પાઉચની તપાસમાં સમય વિતે એમ છે. દરમ્યાન મામલો કરોડોની છેતરપિંડીનો હોવાથી હાલ તો ગુનો નોંધાવ્યો હોવાનું પણ ફરીયાદમાં જણાવાયું છે.