ઇદે મિલાદના ઝુલુસ દરમિયાન એ ડીવીઝન પોલીસ મથકે માઇક ચાલુ રાખવા અંગે ઉગ્ર રજુઆત માટે ટોળુ ધસી આવ્યું ત્યારે ફરજ પરના ત્રણ કોન્સટેબલ ગેર હાજર હોવાનું અને 1પ હોમગાર્ડ જવાનની ફરજમાં બેદરકારી દાખવ્યાનું સામે આવતા પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે ત્રણેય પોલીસમેનને તાકીદની અસરથી સસ્પેન્ડ કર્યા છે. અને હોમગાર્ડ જવાનોને કારણ દર્શક નોટીસ ફટકારવામાં આવી છે.
શહેરમાં ઈદે મિલાદના ઝૂલુસ દરમિયાન રાત્રિના દશ વાગ્યા બાદ ત્રિકોણબાગ પાસે નિયમ વિરૂધ્ધ જોરશોરથી વાગતા ડીજેને એ ડિવિઝન પોલીસે બંધ કરાવતા લઘુમતિ સમાજના ટોળા એ ડિવિઝન પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને પોલીસ મથકે જઈ ફરી ડીજે શરૂ કરાવવા આકરી રજૂઆત કરતા મામલો તંગ થઈ જતા શહેરભરની પોલીસ ઉતરી પડી હતી.આ બનાવમાં પોલીસે સમાજના આગેવાનોને સાથે રાખી મામલો થાળે પાડ્યો હતો.
ઇદના ઝુલુસ દરમિયાન પોલીસ મથકે ઉગ્ર રજુઆત સમયે જ ત્રણેય પોલીસમેન ગેર હાજર હતા: 1પ હોમગાર્ડને ફરજમાં બેદરકારી અંગે કારણ દર્શક નોટિસ ફટકારી
આ બનાવ બાદ પોલીસ મથકે ત્રણ પોલીસ કર્મચારીની નોકરી હોવા છતાં કોઇ ઉચ્ચ અધિકારીને જાણ કર્યા વગર તેઓ ફરજ પર હાજર ન રહેતા અને બેદરકારી દાખવતા આ વાત ડીસીપીને ધ્યાને આવતા તેની સામે આકરા પગલા લઈ એ ડીવીઝન પોલીસ મથકના ત્રણ પોલીસમેનને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર કરવામાં આવ્યો છે.તેમજ રાત્રિના ફરજ બજાવતા 15થી વધુ હોમગાર્ડસ સામે પણ પગલા લેવા નોટિસ ઈસ્યૂ કરતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ,એ ડીવીજન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસમેન રામભાઈ વાંક,અરૂણભાઈ અને ઉમેશભાઈ ગઢવીને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.તેમજ ડીસીપી સુધીરકુમાર દેશાઈએ શુક્રવારે રાત્રિના ફરજ બજાવતા 15થી વધુ હોમગાર્ડસે ફરજ દરમિયાન બેદરકારી દાખવતા તેઓની સામે પણ પગલા લેવા નોટિસ ફટકારી છે.